
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાની ખાસ જનરલ બોર્ડની બેઠક આવતીકાલે બુધવારે સવારે ૧૧:૩૦ વાગ્યે કોર્પોરેશનના અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી પ્રક્રિયાને સાંકળતી મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવશે, જેમાં મુખ્યત્વે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો, પેન્શનરોના આશ્રિતોને વળતર અને શાળાના નવનિર્માણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જોકે, નિયમ મુજબ આ ખાસ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ રાખવામાં ન આવતા રાજકીય અને સ્થાનિક વર્તુળોમાં વિવિધ તર્ક-વિતર્કો સર્જાયા છે.
બેઠકમાં કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં પસાર કરાયેલા ઠરાવ મુજબ, મ્યુનિસિપલ પેન્શનરનું અવસાન થાય તેવા કિસ્સામાં તેમના આશ્રિત પરિવારને પેન્શન બરાબરની ઉચ્ચક રકમ ચૂકવવાની કમિશનરશ્રીની દરખાસ્તને આખરી બહાલી આપવામાં આવશે. આ નિર્ણયથી મૃતક કર્મચારીઓના સ્વજનોને નાણાકીય રાહત મળી રહેશે. આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે સુધારાના ભાગરૂપે મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર-૪૨ના જૂના મકાનના સ્થાને આધુનિક સુવિધાઓ ધરાવતું નવું મકાન બનાવવાની કમિટીની દરખાસ્તને પણ જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવશે.
આ ખાસ બેઠકનો સૌથી મહત્વનો અજન્ડા 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ-૨૦૨૬' ને બહાલી આપવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘન કચરા નિકાલ અંગેની નીતિને અનુરૂપ મહાનગરપાલિકા આ નવા કાયદાને બોર્ડમાં મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલી આપશે. આ કાયદો અમલી બન્યા બાદ સમગ્ર રાજ્યની જેમ જામનગરમાં પણ એક ચોક્કસ અને નવતર નીતિ હેઠળ શહેરના ઘન કચરાના નિકાલ અને વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવશે.
જોકે, આ સભા દરમિયાન પ્રશ્નોત્તરી કાળ મુકવામાં આવ્યો ન હોવાથી શાસક અને વિપક્ષી વર્તુળોમાં ચર્ચા જાગી છે. પ્રશ્નોત્તરી કાળના અભાવે વિપક્ષી સભ્યોને પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવાનો તક મળશે નહીં, જેથી બેઠકમાં અન્યોન્ય તર્ક-વિતર્કો વહેતા થયા છે. આમ છતાં, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા બાયલોઝ અને શાળાઓના આધુનિકીકરણ જેવા નિર્ણયોથી શહેરની સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફારો જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt