દિકરીના જન્મ બાદ 'હું બીજી પત્ની લઈ આવીશ, તારે જવું હોય તો જતી રહે' કહી પરિણીતાને પતિએ ઢીકાપાટુનો માર માર્યો
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરમાંથી વધુ એક વખત મહિલા ઉત્પીડન અને સાસરિયાંઓ દ્વારા આપવામાં આવતા ત્રાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા ક્રિષ્નાપાર્ક શ્રીજી કોમ્પલેક્ષમાં હાલ પોતાના માતા-પિતા સાથે રહેતા પાયલ
હુમલો


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરમાંથી વધુ એક વખત મહિલા ઉત્પીડન અને સાસરિયાંઓ દ્વારા આપવામાં આવતા ત્રાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા ક્રિષ્નાપાર્ક શ્રીજી કોમ્પલેક્ષમાં હાલ પોતાના માતા-પિતા સાથે રહેતા પાયલ (ઉર્ફે જીયાબેન) મોહનભાઈ રાહેજાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે.

પાયલબેનના લગ્ન ઓગસ્ટ 2020 માં નવસારીના કાનજીપાર્ક ખાતે રહેતા રવિ લાલચંદ ભઠેજા સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનના શરૂઆતના સમય બાદ સાસરિયાંઓ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા અને ઘરકામ બાબતે અવારનવાર અપશબ્દો કહીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. પાયલબેને બી.સી.એ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં, તેમને ઘરમાં કોઈ પણ પ્રકારનો સ્વતંત્ર નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવતી નહોતી અને સાસુ-સસરા કહે તે મુજબ જ વર્તવાની ફરજ પાડવામાં આવતી હતી.

પીડિતાએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, લગ્ન બાદ તેઓ ગર્ભવતી બન્યા હતા અને ત્યારબાદ તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. સાસરી પક્ષના લોકોને દીકરાની અપેક્ષા હોવાથી પુત્રીનો જન્મ થતાં જ સાસુ મીનાબેન અને સસરા લાલચંદ મોહનભાઈ ભઠેજા નારાજ થઈ ગયા હતા. પુત્રીના જન્મ બાદ સાસરિયાંઓનું વર્તન વધુ ક્રૂર બન્યું હતું અને તેઓ પાયલબેન તેમજ તેમની માસૂમ દિકરીને અવારનવાર અપશબ્દો બોલી મેણાં-ટોણાં મારતા હતા. આટલું જ નહીં, સાસુ-સસરાની કાનભંભેરણીના કારણે પતિ રવિભાઈ પણ અવારનવાર ઝઘડા કરી પાયલબેનને ઢીકાપાટુનો ઢોરમાર મારતા હતા. પતિ દ્વારા 'હું બીજી પત્ની લઈ આવીશ, તારે જવું હોય તો જતી રહે' તેવી ધમકીઓ આપીને શારીરિક-માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો અને દિકરી માટે કપડાં ખરીદવાના પૈસા પણ આપવામાં આવતા નહોતા.

આ અસહ્ય ત્રાસથી કંટાળીને પાયલબેન છેલ્લા એક વર્ષથી પોતાની દોઢ વર્ષની દીકરી પ્રાન્શી સાથે રાજકોટ ખાતે પોતાના પિયરમાં રીસામણે આવી ગયા છે. આ સમયગાળા દરમિયાન પીડિતાના માતા-પિતાએ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ સાસરી પક્ષે સમાધાન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને છૂટાછેડા લેવા માટે દબાણ કર્યું હતું. આખરે ન્યાય મેળવવા માટે પાયલબેને રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે પતિ રવિભાઈ લાલચંદ ભઠેજા, સાસુ મીનાબેન ભઠેજા અને સસરા લાલચંદ મોહનભાઈ ભઠેજા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande