રાજકોટ બાઈક ઉપર જતા તરઘડીના પરિવારને અકસ્માત નડ્યો : પત્નીનું મોત, પતિ અને બે સંતાનોને ઈજા
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતા અને પોતાના પતિ તથા બે સંતાનો સાથે રાજકોટ ખાતે પિયર જઈ રહેલા ૨૫ વર્ષીય સોનલબેન જયેશભાઈ સોલંકીનું પડધરી નજીક બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. અચાનક બાઈક આડે વાછરડું આવ
અકસ્માત


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) : પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતા અને પોતાના પતિ તથા બે સંતાનો સાથે રાજકોટ ખાતે પિયર જઈ રહેલા ૨૫ વર્ષીય સોનલબેન જયેશભાઈ સોલંકીનું પડધરી નજીક બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. અચાનક બાઈક આડે વાછરડું આવી જતાં સર્જાયેલા આ કરૂણ અકસ્માતમાં બે નિર્દોષ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પરિવાર સહિત ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, તરઘડી ગામે રહેતા સોનલબેન ગઈકાલે સવારે ૧૧ વાગ્યાના સુમારે પોતાના પતિ જયેશભાઈ માવજીભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૨૬)ની બાઈક પાછળ બેસીને પોતાના પુત્ર અને પુત્રી સાથે રાજકોટ પિયરમાં આંટો મારવા માટે નીકળ્યા હતા. દંપતી પોતાના બાળકો સાથે આનંદપૂર્વક માવતરે જઈ રહ્યું હતું ત્યારે માર્ગમાં પડધરીના રંગપર નજીક પહોંચતા જ અચાનક બાઈકની આડે એક વાછરડું ઉતરી આવ્યું હતું.

અચાનક વાછરડું સામે આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક જોરદાર રીતે સ્લીપ થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં બાઈક પર સવાર દંપતી અને તેમના બંને નાના બાળકો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પતિ જયેશભાઈ અને બંને બાળકોને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ સોનલબેનને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત ઈમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.

ગંભીર રીતે ઘવાયેલા સોનલબેનને ૧૦૮ મારફતે તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પડધરી પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી સોનલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. માવતરે પહોંચે તે પહેલા જ માતાનું અકાળે અવસાન થતાં બે નાના બાળકો મા વિહોણા બન્યા છે, જેનાથી પરિવારમાં ભારે ક્રંદન વ્યાપી ગયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande