

પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં નહિવત્ વરસાદને કારણે રાજ્ય સરકારે જિલ્લાને
દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે. જોકે, બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 8,500ની સહાય જાહેર થતાં બરડા પંથકના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, આટલી નજીવી સહાયથી ખેતીમાં થયેલા નુકસાનની ભરપાઈ શક્ય નથી. ખેડૂતોએ સરકારની સહાયને લોલીપોપ ગણાવી આર્થિક મુશ્કેલીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોની
માંગ છેકે દુષ્કાળની ગંભીર પરિસ્થિતિને
ધ્યાનમાં રાખીને પૂરતું વળતર આપવામાં આવે અને ખેડૂતોનાં દેવા માફ કરવામાં આવે તેવી માંગ કરી છે.
હેક્ટરદીઠ સહાય વધારો અથવા દેવા માફ કરો
પોરબંદરના દેગામના ખેડૂત રાજુભાઈ
સુંડાવદરએ સરકારની દુષ્કાળ સહાય સામે નારાજગી
વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ગત વર્ષે
અતિવૃષ્ટિ વખતે રૂ. 22 હજારની સહાય જાહેર કરાઈ હતી, જ્યારે આ વર્ષે દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિમાં માત્ર
રૂ. 8,500ની સહાય જાહેર કરાઈ છે, જે ખેડૂતો માટે લોલીપોપ સમાન છે. ખેડૂતના જણાવ્યા મુજબ, વીઘા દીઠરૂ. 15થી 20 હજારનો ખર્ચ થયો છે, જ્યારે જાહેર સહાયમાં ડીએપી ખાતરની એક થેલીનો ખર્ચ
પણ માંડ નીકળે છે. સરકાર ખરેખર ખેડૂત હિત
ઇચ્છતી હોય તો હેક્ટરદીઠ સહાય વધારવી જોઈએ અથવા ખેડૂતોનાં દેવા માફ કરવા જોઈએ.
સરકારની સહાયથી એક વીઘાનોખર્ચ પણ નીકળતો નથી!
પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી
સરકારે સહાય તો જાહેર કરી, પરંતુ ખેડૂતોમાં નારાજગી યથાવત્ છે. કુછડીના ખેડૂત હરદાસભાઈ
કુછડીયાએ જણાવ્યું કે સરકારની સહાયથી એક વીઘાની ખેતીનો ખર્ચ પણ નીકળતો નથી. બિયારણના એક મણનો ભાવ રૂ. 2,500 જેટલો છે, જ્યારે ડીઝલ અને ખાતરના ભાવમાં પણ વધારો થયો છે. આવી
સ્થિતિમાં નજીવી સહાય ખેડૂતો માટે મજાક સમાન છે. તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ કર્યો કે
જો સરકાર ખેડૂતહિતની વાત કરતી હોય તો
ખેડૂતોનાં દેવા માફ કરે અને ઓછા પાણીમાં કયા પાકનું વાવેતર કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya