
સુરત, 27 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રીય એકતા પરેડ યાત્રાના ભાગરૂપે ઓડિશાથી સુરતના મહેમાન બનેલા પ્રબુદ્ધ નાગરિકોના પ્રતિનિધિ મંડળે સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ, ડાયમંડ અને વિવિધ ઔદ્યોગિક યુનિટોની મુલાકાત લીધી હતી. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે સુરત પધારેલા આ પ્રતિનિધિઓ સુરતની અદ્યતન ટેકનોલોજી, વિશાળ ઔદ્યોગિક ક્ષમતા અને કુશળ માનવબળથી પ્રભાવિત થયા હતા. ટેક્સટાઇલ અને ડાયમંડ હબ તરીકે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતા સુરતના ઔદ્યોગિક વાતાવરણ અને ઉદ્યોગસાહસિકતાના તેમણે મુક્ત મને વખાણ કર્યા હતા.
મુલાકાત દરમિયાન પ્રતિનિધિઓને સુરતના કાપડ ઉદ્યોગની આધુનિક પ્રોસેસિંગ, વિવિંગ પ્રોસેસ અને હાઇ-ટેક મશીનરી તેમજ હીરા ઉદ્યોગના કટીંગ, પોલિશિંગ અને લેબગ્રોન ડાયમંડના યુનિટ્સની ઝીણવટભરી કામગીરીથી અવગત કરાયા હતા.
ગુજરાત ટુરિઝમના ઉપક્રમે ઓડિશાના કાલાહાંડી, રાયગોડા, બલાંગીર અને નુવાપુરા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો તા.31 ઓક્ટોબર સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે છે. આ મુલાકાતના દ્રિતીય દિવસે સુરતના સચિન સ્થિત ઓદ્યોગિક એકમો, ડાયમંડ બુર્સ, બાયોડાયર્વસિટી પાર્ક, ઈચ્છાપોર સ્થિત હરિકૃષ્ણ ડાયમંડ કંપનીની મુલાકાત લીધી હતી, ત્યારે ઓડિશાના આ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગોમાં સચવાતી ચોકસાઈ, ગુણવત્તા અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી છે. આ પ્રકારના આંતરરાજ્ય પ્રવાસોથી દેશના બે રાજ્યો વચ્ચે સંસ્કૃતિ સાથે ઔદ્યોગિક અને આર્થિક અનુભવો પણ આદાન-પ્રદાન થઈ રહ્યા છે, જે રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ બનાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજનીતિ, સમાજસેવા, વકીલાત, અભ્યાસ, પત્રકારત્વ અને રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આ ઓડિશાવાસી નાગરિકોએ સુરતના ડાયમંડ બુર્સ, ટેક્સટાઈલ યુનિટો, બાયોડાયવર્ટસિટી પાર્ક સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર, મનપા સાથે સ્થાનિક ઔદ્યોગિક આગેવાનો અને અધિકારીઓએ પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રતિનિધિ મંડળે સુરતના ઉદ્યોગકારોના આતિથ્યસત્કાર અને વહીવટી તંત્રના આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ યાદગાર મુલાકાત રાષ્ટ્રીય એકતા અને સહકારના એક નવા પ્રકરણનો પ્રારંભ કરાવશે તેવો વિશ્વાસ પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે