રાજકોટ બાર એસોસિએશનની 2જી નવેમ્બરે જનરલ બોર્ડ બેઠક: બે વર્ષે ચૂંટણી યોજવા સહિતના મહત્ત્વના મુદ્દે થશે ચર્ચા
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ બાર એસોસિએશન દ્વારા આગામી . 2 નવેમ્બર, 2026ના રોજ બપોરે 1 વાગ્યે નવા કોર્ટ બિલ્ડિંગના બાર રૂમમાં જનરલ બોર્ડની મહત્ત્વની બેઠક યોજાશે. પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલ દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ, વકી
રાજકોટ બાર એસોસિએશન


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ બાર એસોસિએશન દ્વારા આગામી . 2 નવેમ્બર, 2026ના રોજ બપોરે 1 વાગ્યે નવા કોર્ટ બિલ્ડિંગના બાર રૂમમાં જનરલ બોર્ડની મહત્ત્વની બેઠક યોજાશે. પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલ દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ, વકીલોના પ્રશ્નો, લોક અદાલતની કામગીરી અને ચૂંટણી પ્રક્રિયા જેવા ગંભીર મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે તમામ સભ્ય વકીલોને હાજર રહેવા અપીલ કરાઈ છે.

બેઠકના મુખ્ય એજન્ડામાં ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજકોટમાં શરૂ કરવામાં આવેલી કાયમી લોક અદાલતના વિરોધમાં વકીલો તરફથી મળેલી અરજીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. કાયમી લોક અદાલતની વર્તમાન કામગીરી સામે વકીલ આલમમાં ઉપસ્થિત થયેલા અસંતોષ અને પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ મુદ્દે આગળની રણનીતિ નક્કી કરવા માટે બાર એસોસિએશન દ્વારા આ બાબતને અગ્રતા આપવામાં આવી છે.

આ ઉપરાંત, નિયમિત લોક અદાલતો દરમિયાન વકીલોની ગેરહાજરીમાં જુગારધારા અને પ્રોહિબિશનના કેસોમાં આરોપીઓની પોલીસ સ્ટેશન ખાતે સીધી કબૂલાત લઈને દંડ વસૂલવાની પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરાશે. પોલીસ દ્વારા કરવામાં આવતી આ પ્રકારની સીધી કાર્યવાહી સામે પગલાં લેવા અંગે વિચારણા હાથ ધરાશે. સાથે જ, પ્રમુખસ્થાનેથી રજૂ થનારા અન્ય સ્થાનિક અને વકીલોના હિતને લગતા પ્રશ્નો પર પણ સભાનતાપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

અન્ય એક મહત્ત્વના બંધારણીય સુધારા અંગે વાત કરીએ તો, બાર એસોસિએશનની ચૂંટણી દર વર્ષે યોજવાની હાલની જોગવાઈ બદલીને દર બે વર્ષે યોજવા માટેની રજૂઆતો પર વિચાર થશે. બંધારણ સુધારા સમિતિ સમક્ષ આવેલી આ દરખાસ્ત અંગે તમામ વકીલોના અભિપ્રાય મેળવી આખરી નિર્ણય લેવાશે. બાર એસોસિએશનના વહીવટ અને વકીલોના અધિકારો સાથે જોડાયેલી આ બેઠક ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande