
સુરત, 27 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને એક તરફ અનિયમિત વીજ પુરવઠાની સમસ્યા સતાવી રહી છે, તો બીજી તરફ વીજળીના વધતા ખર્ચે મિલ સંચાલકોની ચિંતામાં વધારો કર્યો છે. 1 જુલાઈ 2026થી વીજળીના ફ્યુઅલ અને વેરીએબલ ચાર્જમાં યુનિટ દીઠ 60થી 70 પૈસાનો વધારો થતાં સુરતની અંદાજે 450 મિલો પર આર્થિક બોજ વધ્યો છે. અગાઉ યુનિટ દીઠ 7થી 7.50 રૂપિયાનો ખર્ચ થતો હતો, જે હવે વધીને 8.50થી 9 રૂપિયા સુધી પહોંચ્યો હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.
વીજળીના વધેલા દરની સાથે વારંવાર થતા પાવર કટને કારણે પણ મિલોના ઉત્પાદન પર અસર પડી રહી છે. આધુનિક મશીનરી વીજ પુરવઠામાં થતા અચાનક ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોવાથી સેન્સર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમને નુકસાન થવાની શક્યતા રહે છે. વીજળી બંધ થયા બાદ મશીનો ફરી શરૂ કરવામાં સમય અને ઉત્પાદન બંનેનો વ્યય થાય છે. મિલ સંચાલકોના જણાવ્યા મુજબ, વીજળીના વધારાના ખર્ચને કારણે મિલ દીઠ દર મહિને લાખો રૂપિયાનો વધારાનો બોજ પડી રહ્યો છે, જ્યારે જનરેટરનો ઉપયોગ કરવો પણ ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે.
સુરત મિલ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્યુઅલના ભાવમાં વધારાને કારણે વીજળીનો ખર્ચ વધ્યો છે, પરંતુ ઉદ્યોગને સતત અને વિશ્વસનીય વીજ પુરવઠો મળવો પણ એટલો જ જરૂરી છે. ઉદ્યોગકારોની માંગ છે કે વીજળીના ઊંચા ચાર્જ વસૂલવામાં આવતા હોય તો ઓછામાં ઓછું વારંવારના પાવર કટ વગર પુરવઠો મળે તેની ખાતરી કરવામાં આવે. જો વીજળીના ખર્ચ અને પુરવઠાની સમસ્યાનો સમયસર ઉકેલ નહીં આવે, તો કાપડના ઉત્પાદન ખર્ચમાં વધુ વધારો થવાની સાથે ઉદ્યોગની સ્પર્ધાત્મકતા અને રોજગારી પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે