જામનગર માર્કેટ યાર્ડમાં તામિલનાડુના વેપારીઓની એન્ટ્રીથી મગફળીના ભાવમાં ઉછાળો: ખેડૂતોમાં ખુશીનો માહોલ
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આમ છતાં, હાલમાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે નવી મગફળીની આવક શરુ થતાં જ ખેડૂતોને મગફળીના ખૂબ સા
હાપા યાર્ડમાં મગફળી ખરીદીના તામિલનાડુના વેપારીઓની એન્ટ્રી


જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આમ છતાં, હાલમાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે નવી મગફળીની આવક શરુ થતાં જ ખેડૂતોને મગફળીના ખૂબ સારા અને પૂરતા ભાવ મળી રહ્યા છે. દર વર્ષની માફક આ વખતે પણ તામિલનાડુના વેપારીઓ દ્વારા જામનગર યાર્ડમાંથી મગફળીની મોટાપાયે ખરીદી શરુ કરવામાં આવી છે, જેના પરિણામે ઉચ્ચ ગુણવત્તાયુક્ત મગફળીના ભાવ રૂા. 2600 થી રૂા. 2700 સુધી બોલાઈ રહ્યા છે.

સ્થાનિક માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ૧૫ દિવસથી નવી મગફળીની આવકનો પ્રારંભ થયો છે અને અત્યાર સુધીમાં અંદાજે ૮૦ હજાર જેટલી મગફળીની બોરીઓની આવક નોંધાઈ ચુકી છે. જામનગરમાં મગફળીના પોષણક્ષમ ભાવ મળતા હોવાના કારણે માત્ર હાલાર જ નહીં, પરંતુ અન્ય આસપાસના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાની ઉપજ વેચવા માટે જામનગર યાર્ડ ખાતે આવી રહ્યા છે. તાજેતરમાં જ ૧૮૮ જેટલા ખેડૂતો પોતાની મગફળી વેચવા આવ્યા હતા, જેના કારણે એક જ દિવસમાં ૧૧,૫૪૩ મણ મગફળીની જંગી આવક થવા પામી હતી.

યાર્ડમાં જુદી-જુદી જાતની મગફળીના હરાજીમાં સારા ભાવ મળી રહ્યા છે, જેમાં ૬૬ નંબરની મગફળીના મણ દીઠ રૂા. ૧૫૦૦ થી લઈને રૂા. ૨૨૫૦ સુધીના ભાવ બોલાયા હતા. બીજી તરફ, ૯ નંબરની મગફળીમાં તામિલનાડુના વેપારીઓની ખાસ માંગને કારણે મણ દીઠ રૂા. ૧૭૦૦ થી લઈને રૂા. ૨૬૨૦ સુધીના ઊંચા ભાવ નોંધાયા હતા. તામિલનાડુના ખરીદદારોની સક્રિયતાને લીધે બજારમાં તીવ્ર સ્પર્ધાત્મક માહોલ સર્જાયો છે, જેનો સીધો આર્થિક ફાયદો સ્થાનિક તથા બહારથી આવતા તમામ ખેડૂતોને મળી રહ્યો છે.

હરાજીના આંકડાઓ પર નજર કરીએ તો તાજેતરમાં જ મગફળીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. તા. ૨૩ ના રોજ મગફળીના ભાવ મણ દીઠ રૂા. ૧૧૦૦ થી ૨૧૦૦ ની રેન્જમાં રહ્યા હતા, પરંતુ તામિલનાડુના વેપારીઓની એન્ટ્રી થતાં જ બીજા જ દિવસે એટલે કે તા. ૨૪ ના રોજ મણ દીઠ રૂા. ૬૦૦ નો મજબૂત ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂા. ૧૨૦૦ થી વધીને રૂા. ૨૭૩૦ સુધી પહોંચી ગયા હતા. આમ, ઉત્પાદનમાં ઘટાડો હોવા છતાં યોગ્ય ભાવ મળતાં ખેડૂતોમાં રાહત અને ખુશીની લહેર જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande