
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે દરોડા પાડી મેરેજ બ્યુરો અને સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં પોલીસે ચાર યુવતીઓને મુક્ત કરાવી સંચાલકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહવ્યાપારના દૂષણને ડામી દેવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉચ્ચ અધિકારીઓના આદેશો અનુસાર એ.એચ.ટી.યુ.ની ટીમ શહેરભરમાં સતર્ક બનીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારા તત્વોની માહિતી એકત્ર કરી રહી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વિરાણી ચોક પાસે આવેલા ગુરુરક્ષા કોમ્પ્લેક્સની ઓફિસ નંબર ૨૦૭માં તપાસ હાથ ધરી હતી. અહીં ‘શ્રી મેરેજ બ્યુરો’ ની આડમાં બહારથી યુવતીઓને બોલાવીને આર્થિક લાભ મેળવી દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાની પાકી બાતમી મળી હતી.
બાતમીની ખરાઈ કરવા માટે એ.એચ.ટી.યુ.ની ટીમ દ્વારા પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહક તૈયાર કરીને મેરેજ બ્યુરોમાં મોકલવામાં આવ્યો હતો. ગ્રાહક પાસેથી ૧૦૦૦ રૂપિયા એન્ટ્રી ફી લઈને અલાયદી રાખેલી કેબિનમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતો હોવાનું સ્પષ્ટ થતાં જ પોલીસે પીએન પઢિયાર અને તેમની ટીમ સાથે સફળ રેડ કરી હતી.
આ દરોડા દરમિયાન ઓફિસ સંચાલક જયશ્રીબેન ઉર્ફે મીના ચેતનભાઈ પુજારા અને મીત ચેતનભાઈ પુજારા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૩૪૦૦, ૨૦ નંગ પ્લાસ્ટિકના કોન્ડોમ પેકેટ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 8800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક પીડિત યુવતીને નરકાગારમાંથી મુક્ત કરાવી હતી.
આ ઉપરાંત બીજા દરોડામાં શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ ચોક નજીક આવેલા કોસ્મો કોમ્પ્લેક્ષના પાંચમા માળે ઓફિસ નંબર 501 માં કાર્યરત ફ્લોરેન્સ વેલનેસ સ્પા પર પણ પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્પામાં મસાજના બહાને બહારથી યુવતીઓ બોલાવીને દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આ સ્પામાં એન્ટ્રી ફી પેટે 1000 રૂપિયા રોકડા અને શરીર સંબંધ બાંધવા માટે ગ્રાહક દીઠ 2500 રૂપિયા વધારાની સર્વિસના નામે વસૂલવામાં આવતા હતા. પોલીસે ડમી ગ્રાહક મોકલી ખાતરી કર્યા બાદ સંચાલક ગણેશ લક્ષ્મણજી મીનાની ધરપકડ કરી હતી. સ્પામાંથી રોકડા રૂપિયા 7210 અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 17210 નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ યુવતીઓને મુક્ત કરાઈ હતી.
પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એક્ટ, ૧૯૫૬ ની કલમ ૩, ૪ અને ૫ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પી.આઈ. પી.એન. પઢિયાર, પી.એસ.આઈ. એસ.પી. ચૌહાણ તથા એ.એચ.ટી.યુ. ની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલી આ સરાહનીય કામગીરીથી અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt