રાજકોટમાંથી રૂ.૨૩.૮૦ લાખના હાઇબ્રીડ ગાંજા સાથે મહિલા ઝડપાઈ : ભાણેજ સાચવવા આપી ગયો'તો
રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેર એસઓજી પોલીસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના રૈયા રોડ પર આવેલા યોગીરાજનગરમાં ગીરીરાજ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પૂજા ભટ્ટ નામની મહિલાને 23.80 લાખ રૂપિયાની કિંમતના 680 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડી છ
ગાંજા સાથે મહિલા ઝડપાઈ


રાજકોટ, 27 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ શહેર એસઓજી પોલીસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના રૈયા રોડ પર આવેલા યોગીરાજનગરમાં ગીરીરાજ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પૂજા ભટ્ટ નામની મહિલાને 23.80 લાખ રૂપિયાની કિંમતના 680 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડી છે. અત્યંત ઘાતક ગણાતા આ નશાકારક પદાર્થ સાથે રૂ. 23.91 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે મુખ્ય સૂત્રધાર ભાણેજ ગૌતમ દવેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ શહેરમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને અટકાવવા અને દીવાળીના તહેવારો પૂર્વે યુવાધનને નશાની ગર્તામાં ધકેલાતું અટકાવવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી 'સે નો ટુ ડ્રગ્સ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઝુંબેશ અંતર્ગત એસઓજી પીઆઈ એન.બી. ચૌધરી અને બી.બી. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.વી. જાડેજા તથા તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે યોગીરાજનગર શેરી નં. ૪માં ગીરીરાજ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૩માં રહેતી એક મહિલા પાસે ગેરકાયદેસર નશાકારક પદાર્થનો જથ્થો સંગ્રહાયેલો છે, જેના આધારે ત્વરિત દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસ ટીમે રૈયા રોડ પર આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર ૩માં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી પૂજા સાગર ભટ્ટ નામની મહિલા મળી આવી હતી. તલાશી દરમિયાન મકાનમાંથી કિંમતી હાઇબ્રીડ ગાંજાનો 680 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 23.80 લાખ અંકાય છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ડિજિટલ વજન કાંટો, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨૩.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ભારતમાં ખૂબ દુર્લભ હોવાથી અત્યંત મોંઘો હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલી મહિલા આરોપી પૂજા ભટ્ટની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે કબૂલાત કરી હતી કે તેનો ભાણેજ અને વિસ્તારનો કુખ્યાત પેડલર ગૌતમ વસંત દવે (રહે. રાજકોટ) આ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો સાચવવા માટે આપી ગયો હતો. આ જ મકાનમાંથી ગૌતમ દવે ગાંજાની નાની-નાની પડીકીઓ બનાવીને શહેરમાં નશેડીઓને વેચતો હતો. પૂજા ભટ્ટના રહેણાંક મકાનનો ઉપયોગ નશાના વેપારના મુખ્ય અડ્ડા તરીકે થતો હોવાનું ખુલતા પોલીસે ગૌતમ દવેને મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવી તેની શોધખોળ હાથ ધરી છે.

નશાની દુનિયામાં હાઇબ્રીડ ગાંજો અત્યંત ઘાતક અને અતિ તીવ્ર માનવામાં આવે છે. સામાન્ય સરકારી ધોરણ મુજબ સાદા ગાંજાની એક કિલોગ્રામની કિંમત આશરે રૂ. 50000 હોય છે, જ્યારે હાઇબ્રીડ ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂ. 35 લાખ સુધી પહોંચે છે. સામાન્ય ગાંજાની સરખામણીએ હાઇબ્રીડ ગાંજાની થોડીક જ માત્રા સેવન કરવાથી એમડી ડ્રગ્સ (મેફેડ્રોન) જેવો અતિ તીવ્ર નશો થાય છે. આ જ કારણસર શહેરમાં ડ્રગ્સની સાથે આવા હાઇબ્રીડ માદક પદાર્થોની માંગ વધતાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી એલર્ટ મોડ પર આવી ગઈ છે.

દરોડા બાદ એસઓજી પોલીસે આરોપી પૂજા ભટ્ટની વિધિવત ધરપકડ કરી રાત્રિ દરમિયાન અટકાયતમાં લીધી હતી. આજે પોલીસ દ્વારા આરોપી મહિલાને અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આ કિંમતી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મૂળ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેને કઈ ચેનલ મારફતે રાજકોટ સુધી પહોંચાડવામાં આવ્યો અને શહેરમાં અન્ય કયા કયા હાઇ-પ્રોફાઇલ ગ્રાહકો કે પેડલર્સને કેટલા રૂપિયામાં વેચવામાં આવતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande