

પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના સોની બજાર વિસ્તારમાં આવેલી સોનાના દાગીનાની દુકાનમાંથી ચોરીના ગુનામાં છેલ્લા 26 વર્ષથી ફરાર આરોપીને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રના મુંબઈ માંથી ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાર્યવાહી માટે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 5 સપ્ટેમ્બર 2000ના રોજ સોની બજારના પારેખ ચકલા વિસ્તારમાં આવેલી સોની કામની દુકાન માંથી 41 ગ્રામનો સોનાનો નેકલેસ, પેન્ડલવાળી બે સોનાની ચેઇન અને 20 ગ્રામ બફ પાઉડર મળી કુલ રૂ. 40 હજારની ચોરી થઈ હતી. આ મામલે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં આરોપી મહેબુબ હુસેન ઉર્ફે શોન્ટુ હબીબુર રહેમાન
છેલ્લા 26 વર્ષથી ફરાર હતો. તેની સામે ગેઝેટ પ્રસિદ્ધ થયું હતું અને સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ પણ હતું.ફરાર આરોપીઓને પકડવા માટેની સૂચના અંતર્ગત એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આરોપી મુંબઈના ચારકોપ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સોનાના દાગીનાના પોલિશિંગનું કામ કરે છે.
આ બાતમીના આધારે ટીમે મુંબઈ પહોંચીને બેલીમો રોડ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો.48 વર્ષીય આરોપી મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના પાંડવા તાલુકાના બીટાસીન ગામનો રહેવાસી છે અને હાલ મુંબઈના અંધેરી ઈસ્ટ વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આરોપીને પોરબંદર લાવી વધુ કાર્યવાહી માટે કીર્તિમંદિર પોલીસને સોંપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya