
ગીર સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરના ગેટ પાસે આજે સવારે આશરે ૭ વાગ્યાના અરસામાં ફાઇબરના કચરામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કચરામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં વેરાવળ ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મોટા ફાયર બ્રાઉઝર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફ એ આગને કાબૂમાં લેવા માટે સારી કામગીરી કરી હતી.
બંદર વિસ્તારમાં બોટો, લાકડાં અને ઓઇલ સહિતની જ્વલનશીલ સામગ્રી નજીકમાં હોવાથી જો આગ વધુ પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. જોકે, ફાયર બ્રિગેડના સ્ટાફની સમયસરની કામગીરીને કારણે આગને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી અને સંભવિત મોટી હોનારત ટળી હતી. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે અન્ય જાનમાલનું નુકસાન થયું નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ