
ગીર સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.) તાલાલા તાલુકાના સુરવા ગામે પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને સુરવા ગામે ગ્રામ્ય સેવાસેતુ ૨.૦ યોજાયો હતો.
સુરવા ગામે યોજાયેલા બીજા તબક્કાના ગ્રામ્ય સેવાસેતુ ૨.૦માં સુરવા ક્લસ્ટર હેઠળના ગામોના લોકોને ઘરઆંગણે જ સેવા મળી રહે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ તથા સેવાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેવાસેતુ કાર્યક્રમ થકી ગ્રામજનોને તાલુકા કચેરીઓ કે અન્ય સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા પડે અને વિવિધ સરકારી સેવાઓનો લાભ તેમના ગામમાં જ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સંકલિત પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ પીઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા, અગ્રણી કિશનભાઇ પાનસુરિયા, અમિતભાઈ નંદાણીયા, મગનભાઈ કમાણી, વિજયાબેન સવજીભાઈ ગામી, મામલતદાર તાલુકા વિકાસ અધિકારીસહિત સંલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ