

- ૯૩ પ્રગતિશીલ ખેડૂતોને ‘શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ’ એનાયત
- ૧૦૦ નવા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ - આધુનિક ટેકનોલોજી માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે MoU
ગાંધીનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) : આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાતના 93 પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય અને જિલ્લા કક્ષાના 'શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ' એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય પ્લેટફોર્મ આપી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યમાં આશરે 100 જેટલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કુલ વેચાણ કેન્દ્રોની સંખ્યા વધીને 1200 થઈ છે.
આ સમારોહમાં ખેતીમાં આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કૃષિ વિસ્તરણ સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે મદદનીશ ખેતી નિયામક (વર્ગ-2) તરીકે પસંદગી પામેલા 14 નવનિયુક્ત અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” – શરીરનું સ્વાસ્થ્ય સૌથી મોટું ધન છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી જમીન, પાણી અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા તેમજ માનવ સ્વાસ્થ્ય અને આવનારી પેઢીના ભવિષ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો જરૂરી છે.
રાજ્યપાલએ ડેનમાર્કનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં યુરિયા-ડીએપી પર કોઈ સબસિડી નથી. ત્યાં ગાયના છાણ-મૂત્રમાંથી ગોબર ગૅસ અને સજીવ ખાતર બનાવી જમીનનો ઓર્ગેનિક કાર્બન ૨% જાળવી રખાયો છે.
પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોના લોકાર્પણને આવકારતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં આજે 100થી વધુ વેચાણ કેન્દ્રો શરૂ થઈ ચૂક્યાં છે. આ કેન્દ્રો માત્ર વેચાણનાં સ્થળો નહીં, પરંતુ ગ્રાહકોના વિશ્વાસનાં કેન્દ્રો બનવા જોઈએ. અહીં શુદ્ધ પ્રાકૃતિક કૃષિ પેદાશો જ વેચાય અને તેમની ગુણવત્તા તથા વિશ્વસનીયતા જળવાય તેની જવાબદારી ખેડૂતો અને સંચાલકોની છે. આ કેન્દ્રો અંગે જનજાગૃતિ લાવી વધુમાં વધુ નાગરિકો સુધી તેની માહિતી પહોંચાડવા તેમણે અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી કરતા દરેક ખેડૂતને ઓછામાં ઓછા એક નવા ખેડૂતને આ અભિયાન સાથે જોડવા આહ્વાન કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તથા દેશી ગાયના પાલન માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પુરસ્કૃત ખેડૂતોને અભિનંદન પાઠવી તેમની કામગીરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની રાષ્ટ્રસેવા અને જનસેવામાં સુશાસન, વિકાસ, ટેકનોલોજી અને જનકલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વિકાસનો અર્થ માત્ર માળખાકીય સુવિધાઓનું નિર્માણ નહિં, પરંતુ સામાન્ય નાગરિકના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો પણ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીના ભારતના વિકાસમાં જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન અને ટેકનોલોજીની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ સાથે ‘જય અનુસંધાન’નો જે મંત્ર આપ્યો છે તે દેશની સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, વૈજ્ઞાનિક પ્રગતિ અને સંશોધનને એકસાથે જોડે છે.
તેમણે કહ્યું કે, આજે પ્રાકૃતિક ખેતી, ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણના સમન્વયથી અન્નદાતાના સશક્તિકરણ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને સંશોધનના ઉપયોગથી ખેડૂતોની આવક, ઉત્પાદનક્ષમતા અને સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ માટે નવી તકો ઊભી થઈ રહી છે.
મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું કે, જમીનનું સ્વાસ્થ્ય અને માનવ સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલા છે. રાસાયણિક ઇનપુટ્સના યોગ્ય અને સંતુલિત ઉપયોગ, જમીનની ગુણવત્તા જાળવણી તથા ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોમાં જાગૃતિ વધારવી સમયની માંગ છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરો અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બનાવે અને વ્યવહારું પરિણામો દર્શાવે તો વધુ ખેડૂતો આ પદ્ધતિ તરફ આકર્ષાઈ શકે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી સાથે જળસંચય અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે. વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ, ભૂગર્ભ જળના રિચાર્જ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે સામૂહિક પ્રયાસોની જરૂર છે.
વડાપ્રધાનની ૨૫ વર્ષની જાહેર સેવાની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોમાં ‘સેવા’ને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વચ્છતા જાળવવી, પાણી બચાવવું, વીજળીનો બિનજરૂરી વપરાશ ઘટાડવો, ઇંધણની બચત કરવી અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું પણ સમાજસેવાના જ સ્વરૂપો છે. લોકોને આ પ્રકારના નાના પરંતુ અસરકારક સંકલ્પોને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવા પણ મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અમલીકરણ કે ઉપજના વેચાણમાં કોઈ મુશ્કેલી હોય તો રાજ્ય સરકારનું ધ્યાન દોરવા પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે બેસ્ટ ફાર્મરનો એવોર્ડ પ્રાપ્ત કરનારા ખેડૂતો તેમજ રાજ્યના કૃષિ સેવામાં જોડાયેલા અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના મિશન તથા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી હવે એક મોટું અભિયાન બની ચૂક્યું છે. ભણેલા-ગણેલા યુવાનો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોને તેમના ઉત્પાદનોનું યોગ્ય માર્કેટિંગ તેમજ સર્ટિફિકેશન મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
મંત્રીશએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકારના 'બ્રાન્ડ એમ્બેસેડર' ગણાવીને, અન્ય પાંચ ખેડૂતોને આ ક્ષેત્રે જોડવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના “એન્યુઅલ એક્શન પ્લાન ૨૦૨૬-૨૭”, “ખેતીવાડી ખાતાની સહાયલક્ષી યોજનાઓ” તથા “બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ” પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહના પ્રારંભે કૃષિ વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણાએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર વિજય ખરાડી સહિત કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ અને સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓ સહિત ૫૦,૦૦૦ જેટલા ખેડૂતો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ