રાજકોટ એઈમ્સમાં મહિલા ઇન્ટર્ન તબીબની છેડતી કરનાર નર્સિંગ ઓફિસર ગુનો નોંધાયો
રાજકોટ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં મહિલા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઓપીડી વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા ઇન્ટર્ન તબીબ સાથે નર્સિંગ ઓફિસર લલિત શર્માએ અયોગ્ય વર્તન કરી છેડતી કરી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે
ફરિયાદ


રાજકોટ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં મહિલા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઓપીડી વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા ઇન્ટર્ન તબીબ સાથે નર્સિંગ ઓફિસર લલિત શર્માએ અયોગ્ય વર્તન કરી છેડતી કરી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે પીડિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, તારીખ 30ના રોજ મહિલા ઇન્ટર્ન ઓપીડી વિભાગમાં હાજર હતી ત્યારે લલિત શર્માએ તેની પાસે આવી રાત્રે જમવા લઈ જવાની વાત કરી હતી. મહિલા ઇન્ટર્ને પોતે મેસમાં જમવાની છે તેમ કહી સ્પષ્ટ ના પાડી હોવા છતાં, તેણે ઇન્ટર્નના ખભા પર હાથ મૂક્યો હતો. ત્યારબાદ ઇન્ટર્ન બહાર આવીને બેઠી ત્યારે પણ તેણે પીછો કરી અયોગ્ય અને દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ઇન્ટર્ને લલિત શર્મા પરણિત હોવાનું યાદ અપાવી આવા વર્તન સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં તેણે અયોગ્ય વાતો ચાલુ રાખી હતી અને કમરના ભાગે હાથ મૂકી અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવથી આઘાત પામેલી મહિલા ઇન્ટર્ને તુરંત ત્યાંથી ખસી જઈને પોતાના સાથી તબીબો અને કર્મચારીઓને સમગ્ર બાબતથી માહિતગાર કર્યા હતા.

બનાવની જાણ થતાં જ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તેમણે ડેપ્યુટી ડાયરેક્ટરને મળી નર્સિંગ ઓફિસરને તાત્કાલિક ટર્મિનેટ કરવાની માંગ કરી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ કમિટી રચી સીસીટીવી ફૂટેજ ચકાસવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તાત્કાલિક કડક પગલાં ન લેવાતા ડોક્ટરોએ હડતાળ પાડી ઈમરજન્સી વિભાગ સામે ધરણાસૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.

એઇમ્સ તંત્રની તપાસની રાહ જોયા વિના પીડિતાએ કાયદાકીય માર્ગ અપનાવી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે છેડતી અંગેનો ગુનો દાખલ કરીને નર્સિંગ ઓફિસર લલિત શર્માની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા અંગે ગંભીર ચર્ચાઓ જાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande