
અમદાવાદ, 03 ઓકટોબર (હિ.સ.) : દેશની પેટ્રોલિયમ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. નવા ભાવ શનિવાર સવારથી જ લાગુ થઈ ગયા છે. અમદાવાદમાં એક લીટર પેટ્રોલ ₹106.83 અને ડીઝલ ₹100.92 થયું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા વધારા બાદ છૂટક ભાવો અને વધતી કિંમત વચ્ચેના તફાવતને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષની શરૂઆતમાં જ્યારે ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો પ્રભાવિત થયો હતો, ત્યારે કંપનીએ 26 માર્ચે પણ પેટ્રોલ 5 અને ડીઝલ 3 પ્રતિ લિટર મોંઘું કર્યું હતું.જોકે, બાદમાં જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થયો અને આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ઘટ્યા, ત્યારે કંપનીએ 1 જુલાઈએ પેટ્રોલ 5 અને ડીઝલ 3 પ્રતિ લિટર સસ્તુ કરી દીધું હતું.
નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
હાલ સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ, જિયોએ પણ હજુ સુધી કોઈ ફેરફાર કર્યો નથી.
રેટિંગ એજન્સી ઇકરા ના અહેવાલ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં ભારતમાં રિટેલ કિંમતો સ્થિર રહેવાને કારણે સરકારી ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.
ઇકરાના અનુમાન મુજબ સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, HP અને BPCLને પેટ્રોલ પર આશરે 8 અને ડીઝલ પર 9 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું છે. ઇકરા અનુસાર, ઓઈલ કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને LPG મળીને દરરોજ આશરે 530 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ