




પોરબંદર, 03 ઓક્ટોબર (હિ.સ.) : મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરમાં નશાબંધી સપ્તાહ ૨૦૨૬ની
ઉજવણીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટરના
પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે
કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ, પાયોનિયર ક્લબ, સાગર સમન્વય સંસ્થા, કામદાર કલ્યાણ કેન્દ્ર અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સંમેલન, વિવિધ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, નશાબંધી સાહિત્યનું પ્રદર્શન-વિતરણ તથા વ્યસન મુક્તિરેલી યોજાઈ હતી.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે નશાની અસર માત્ર વ્યક્તિ પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ સમગ્ર પરિવારને અસર કરે છે. તમાકુ, દારૂ
અને ડ્રગ્સ જેવા વ્યસનથી થતા નુકસાન અંગે તેમણે લોકોને જાગૃત કર્યા હતા. મહિલાઓ વ્યસનમુક્તિના અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ જણાવી નશાથી દૂર રહેવા અપીલ કરી હતી.લોક સાહિત્યકાર શક્તિદાન ગઢવીએ સાહિત્યિક રજૂઆત સાથે વ્યસનથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. કલેક્ટર એસ.ડી. ધાનાણીએ નશાબંધી સપ્તાહના વિવિધ કાર્યક્રમોથી લોકજાગૃતિ વધવાની આશા વ્યક્ત કરી હતી.નશાબંધી અધિક્ષક પી.આર.ગોહિલે વ્યસનથી થતા સામાજિક, આર્થિક અને શારીરિક નુકસાન અંગે માહિતી આપી ઉપસ્થિતોને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી. બાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પેરેડાઇઝ વિસ્તારના અતિ પછાત વિસ્તારો સુધી વ્યસનમુક્તિ રેલી યોજાઈ હતી.
વિદ્યાર્થીઓએ ‘નશો નાશનું મૂળ છે’, ‘નશાબંધીથી નવજીવન’અને ‘વ્યસનથી દૂર રહો’ જેવા સંદેશાવાળા બેનરો સાથે જનજાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો એનાયત કરાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya