
ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) : વિદેશની ધરતી પર પણ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને સનાતન મૂલ્યોની સુવાસ ફેલાઈ રહી છે. મા કૃપા સંસ્થા (ફાઉન્ડેશન-યુ.કે.) દ્વારા લંડનમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોહિલવાડના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્યની વાતો સાથે હાસ્યરસ પીરસીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
માયાભાઈ આહિરે લોકસાહિત્ય, સૌરાષ્ટ્રની પરંપરા અને સાંપ્રત સામાજિક સ્થિતિને કેન્દ્રમાં રાખીને હળવા કટાક્ષ સાથે સનાતન મૂલ્યોસભર વાતો રજૂ કરી હતી. તેમની રજૂઆતમાં હાસ્ય, લોકજીવનના અનુભવો અને સંસ્કૃતિની વાતોનું સુંદર સંયોજન જોવા મળ્યું હતું. વિદેશમાં વસતા ગુજરાતી અને સૌરાષ્ટ્રવાસીઓએ પોતાના વતનની માટીની સુગંધ સમાન લોકડાયરાની રજૂઆતને મનભરીને માણી હતી.
આ લોકડાયરાના આયોજનમાં જશરીભાઈ ભોજવિયા તથા કલાકાર નિર્મલસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ મા કૃપા સંસ્થાના પરિવારજનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સંસ્થાના જયંતિભાઈ ખરગ્રામ, રશ્મિભાઈ શાહ, બ્રિજેશભાઈ શાહ, સુલોચનાબેન છાયા, નૈનાબેન કેશાણી તથા જયભાઈ દોશી સહિતના સભ્યોએ કાર્યક્રમના સંકલનમાં સહયોગ આપ્યો હતો. લંડનની ધરતી પર યોજાયેલા આ લોકડાયરામાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકસાહિત્યની ઝલક જોવા મળી હતી.
માયાભાઈ આહિરની હાસ્યસભર અને સંસ્કૃતિસભર રજૂઆતથી સમગ્ર વાતાવરણ જીવંત બન્યું હતું અને શ્રોતાઓએ મન મૂકીને આનંદ માણ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA