
રાજકોટ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ રેન્જ પોલીસની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગવદર ગામ પાસે આવેલી વેણુ નદીમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો પાડી રેન્જ ટીમે રૂ. ૩૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીથી ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના વિસ્તારોમાં સરકારી તથા કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ તથા તેમની ટીમે વર્કઆઉટ અને હ્યુમન સોર્સના ઉપયોગથી સઘન તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસ સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, રવીરાજસિંહ વાળા, દિવ્યેશભાઇ સુવા અને નિકુલભાઇ પંપાણીયાને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે નાગવદર ગામ ગધેથડ રોડ પર આવેલી વેણુ નદીના પટમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ચાલુ હોવાનું માલૂમ પડતાં ટીમે અચાનક દરોડો પાડીને સ્થળ પરથી ૪ વાહનો સાથે ખનીજ ચોરીમાં સંલગ્ન કસુરદારોને ઝડપી લીધા હતા.
આ કામગીરી દરમિયાન પોલીસે સાગરભાઈ દાસાભાઈ ખાંભલા (જેસીબી ડ્રાઈવર), હિતેશ કારાભાઈ ભીંટ (જેસીબી માલિક), રણછોડભાઈ દેવાભાઈ ભીંટ (ટ્રેક્ટર ડ્રાઈવર), દર્શનભાઈ કનુભાઈ મકવાણા (લોડર ડ્રાઈવર), મયુરભાઈ ગોવાભાઈ ભીંટ (લોડર માલિક) અને રાણાભાઈ મસરીભાઈ ભીંટ (આઈસર ટ્રેક્ટર ડ્રાઈવર) ને ઝડપી પાડ્યા છે. કસુરદારો પાસેથી રૂ. ૧૫ લાખનું ૧ જેસીબી, રૂ. ૧૦ લાખનું ૧ લોડર અને રૂ. ૧૦ લાખની કિંમતના ૨ ટ્રેક્ટર મળી કુલ રૂ. ૩૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
રાજકોટ રેન્જ ટીમે જપ્ત કરાયેલ તમામ ૪ વાહનો સીઝ કરીને ઉપલેટા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી આગળની કાર્યવાહી સુપ્રત કરી હતી. આ સાથે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ઘટના અંગે જાણ કરવામાં આવી છે, જેથી આ કસુરદારો સામે કાયદાકીય અને દંડકીય કાર્યવાહી હાથ ધરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt