
જામનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) ખેડુતોને ઓછા વ્યાજે લોનની જાળમાં ફસાવીને તોતીંગ રકમ વસુલી જમીનના દસ્તાવેજો કરાવી લઇને છેતરપીંડી આચરનાર રાજકોટના અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે કાલાવડમાં ૩ જુદી જુદી પોલીસ ફરીયાદ નોંધાઇ છે દરમ્યાનમાં મુખ્ય સુત્રધારનો રાજકોટ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટના આધારે આગામી દિવસોમાં કાલાવડ પોલીસ કબ્જો મેળવશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉપરાંત ટોળકીનો કોઇ ભોગ બનનાર હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ છે.
છેતરામણી જાહેરાતો થકી ખેડુતોને પોતાની જાળમાં ફસાવી કિંમતી જમીનો હડપ કરી લેવાના કૌભાંડના સુત્રધાર અલ્પેશ દોંગાએ અત્યાર સુધીમાં ખેડુતોને અને અન્યોની જમીન પાણીના ભાવે પડાવી લીધાનો ચોંકાવનારો ખુલાશો સીટની તપાસમાં થયો છે. તપાસ કાર્યવાહી દરમ્યાન અલ્પેશને શાસ્ત્રીનગર અજમેરા સોસાયટી સામે વિસ્તારમાં આવેલી ઓફીસમાંથી ૧૫૨ દસ્તાવેજો અને સાટા ખત કબ્જે કર્યા છે આ તમામ સામે છેતરપીંડી થઇ છે કે કેમ એ બાબતે હાલ તપાસ ચાલી રહી છે.
રાજકોટના અલ્પેશ દોંગા અને અક્ષીત અકબરીની ટોળકી વિરુઘ્ધ અગાઉ અસંખ્ય ગુના દાખલ થઇ ચુકયા છે, ખેડુતોની જમીન પચાવી પાડવાના કારસ્તાન બહાર આવ્યા બાદ પડધરીના એક, ગોંડલ તાલુકામાં એક અને તાજેતરમાં કાલાવડમાં ૩ ગુના દાખલ થયા છે, સીટ પાસે હજુ સાત અરજીઓ પડી છે તેમા પણ ફરીયાદ થઇ શકે તેવી શકયતા પોલીસ સુત્રોએ વ્યકત કરી છે.
પડધરીના સરપદડ ખાતે નોંધાયેલા ગુનામાં અક્ષીતને એલસીબીએ પકડીને સીટને સોપ્યો છે, જયારે અલ્પેશનો ગોંડલ તાલુકા પોલીસે કબ્જો મેળવ્યો છે બંનેની પુછપરછ દરમ્યાન હજુ વધુ ચોંકાવનારા ખુલાશા થવાની સંભાવના છે, બીજી બાજુ જે ખેડુતોની જમીન પડાવી લેવામાં આવી છે તે અંગે કલેકટર સાથે વાતચીત કરીને કાયદાકીય અને રેવન્યુની રીતે નિકાલ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
આ ટોળકીનો વધુ કોઇ ભોગ બનનાર હોય તો પોતાના વિસ્તારની પોલીસનો સંપર્ક કરી શકશે. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં ટોળકી સામે નોંધાયેલી ૩ ફરીયાદ અનુસંધાને તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં અલ્પેશ દોંગાનો જેલ ખાતેથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કબ્જો લેવાશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt