જૂનાગઢમાં 181 અભયમ ટીમની સરાહનીય કામગીરી: રાત્રિના સમયે વિખૂટા પડી ગયેલા અન્ય રાજ્યના પરિવારનું કરાવ્યું સુખદ મિલન
જુનાગઢ,03 ઓક્ટોબર (હિ.સ.) મહિલાઓની સુરક્ષા અને સહાય માટે 24 કલાક કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જૂનાગઢ ટીમે વધુ એક વખત સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીનો પરિચય આપ્યો છે. રાત્રિના સમયે અટવાઈ ગયેલી અન્ય રાજ્યના મહિલા અને તેના માસૂમ બાળકને તેમના
જૂનાગઢમાં 181 અભયમ ટીમની સરાહનીય કામગીરી: રાત્રિના સમયે વિખૂટા પડી ગયેલા અન્ય રાજ્યના પરિવારનું કરાવ્યું સુખદ મિલન


જુનાગઢ,03 ઓક્ટોબર (હિ.સ.) મહિલાઓની સુરક્ષા અને સહાય માટે 24 કલાક કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જૂનાગઢ ટીમે વધુ એક વખત સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીનો પરિચય આપ્યો છે. રાત્રિના સમયે અટવાઈ ગયેલી અન્ય રાજ્યના મહિલા અને તેના માસૂમ બાળકને તેમના પરિવાર સાથે સહી-સલામત મેળવી આપી પ્રશંસનીય કામગીરી કરી છે.

જૂનાગઢની ગિરિરાજ સોસાયટી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે 181 હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી આપી હતી કે, એક અજાણી મહિલા છેલ્લા 2 થી 3 કલાકથી સોસાયટી પાસે એકલી બેસી રહી છે અને કોઈ મુશ્કેલીમાં જણાય છે. આ માહિતી મળતાની સાથે જ જૂનાગઢ 181 અભયમ ની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અભયમ કાઉન્સેલર પીડિત મહિલાને સાંત્વના આપી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ રાજકોટની ગોંડલ ચોકડી પાસે આવેલી એક હોટલમાં મજૂરી કામ કરે છે. મહિલા તેના પતિ,4 વર્ષની પુત્રી અને એક નાના બાળક સાથે બસ દ્વારા મુસાફરી કરીને આવ્યા હતા અને ઝાંસીના સ્ટેચ્યુ પાસે ઉતર્યા હતા. ત્યાં ઉતર્યા બાદ ભીડ અથવા અન્ય કોઈ કારણોસર તેમના પતિ અને 4 વર્ષની દીકરી ક્યાંક વિખુટા થઈ ગયા હતા. મહિલા પાસે તેમનું નાનું બાળક હતું. પીડિતાએ તેમના પતિને શોધવાના ખૂબ પ્રયાસો કર્યા પરંતુ રાત્રિના સમયે કોઈ પત્તો મળ્યો ન હતો. આ દરમિયાન તેમના પતિનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો હતો, જેથી મહિલા ભારે મૂંઝવણ અને ચિંતામાં મુકાઈ ગઈ હતી.

રાતનો સમય હોવાથી અને મહિલા પાસે કોઈ આશ્રયના હોવાથી, અભયમ ટીમ દ્વારા મહિલા અને બાળકની સુરક્ષાને ધ્યાને રાખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી ત્યાં આશ્રય લેવા જણાવ્યું હતું. પરંતુ મહિલાએ પોતાના ગુમ થયેલા પતિ અને દીકરી પાસે જવાની જીદ પકડી રાખી હતી અને આશંકા વ્યક્ત કરી કે તેના પતિ કદાચ બસ સ્ટેશન તરફ ગયા હોઈ શકે છે.

મહિલાની વિનંતીને ગંભીરતાથી લઈ 181 અભયમ ટીમના કાઉન્સિલર અંજલી ભોયે, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભરમીબેન ઓડેદરાએ ત્વરિત નિર્ણય લીધો હતો. તેઓએ મહિલા તેમજ તેના બાળકને સરકારી વાહનમાં સાથે રાખીને બસ સ્ટેશન વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. ટીમની મહેનત અને સૂઝબૂઝ રંગ લાવી અને બસ સ્ટેશનના અંદરથી જ મહિલાના પતિ અને તેમની 4 વર્ષની દીકરી મળી આવ્યા હતા.

અડધી રાત્રે અટવાઈ ગયેલા આ પરિવારને મિલન કરાવીને 181 અભયમની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. કાનૂની અને સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરી અભયમ ટીમ દ્વારા મહિલા અને તેમના બાળકોને સહી-સલામત તેમના પતિને સોંપવામાં આવ્યા હતા અને તેમણે મુશ્કેલીના સમયે દેવદૂત બનીને આવેલી 181 અભયમ ટીમ અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande