
જુનાગઢ,03 ઓક્ટોબર (હિ.સ.) 70 મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની કુસ્તી ગ્રીકો રોમન અંડર-17 અને અંડર-19 ભાઈઓની સ્પર્ધાનું આયોજન 11 અને 12 ઑક્ટોબર,2026 દરમિયાન જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યના સંલગ્ન જિલ્લાની કુસ્તી ગ્રીકો રોમન રમતમાં જિલ્લા કક્ષાએ પસંદગી પામેલી ટીમની ડીટેઈલ એન્ટ્રી- ખેલાડીઓની વિગતો 6 ઑક્ટોબર,2025 સુધીમાં dso-sycd-jngcity @gujarat.gov.in પર મોકલવાની રહેશે. પસંદગી પામેલા ખેલાડીઓએ નિયત સમય અને સ્થળે રિપોર્ટિંગ કરી સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
અંડર-17 ભાઈઓ માટે 45,48,51,55,60,65,71,80,92 અને 110 કિલોગ્રામ વજન વર્ગ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે અંડર-19 ભાઈઓ માટે 55,60,63,67,72,77,82,87,97 અને 130 કિલોગ્રામ વજન વર્ગમાં સ્પર્ધા યોજાશે.
અંડર-17 અને અંડર-19 ભાઈઓની ટીમ માટે 10 ઑક્ટોબર,2026 ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ખેલાડીઓનું વજન સાંજે 4 થી 5 વાગ્યા સુધી લેવામાં આવશે અને કોચ તથા મેનેજરની મીટિંગ સાંજે 6 કલાકે યોજાશે. દરેક ટીમમાં 10 ખેલાડીઓ, 1 કોચ અને 1 મેનેજરનો સમાવેશ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ