ઘરઆંગણે મળશે આરોગ્ય સેવા, લક્ષ્મીપરને મળ્યું ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’નું નવું નજરાણું
- રવાપર સેજા હેઠળના લક્ષ્મીપર (નેત્રા) ગામે નવા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ગ્રામજનોને પ્રાથમિક સારવાર માટે હવે દૂર જવાની જરૂરિયાત ઘટશે કચ્છ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રવાપર સેજા હેઠળ આવતા લક્ષ્મીપર (નેત્રા) ગામના રહેવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે નવી સુવિ
લક્ષ્મીપર સરકારી દવાખાનાનું લોકાર્પણ કરાયું


લક્ષ્મીપર સરકારી દવાખાનાનું લોકાર્પણ કરાયું


લક્ષ્મીપર સરકારી દવાખાનાનું લોકાર્પણ કરાયું


- રવાપર સેજા હેઠળના લક્ષ્મીપર (નેત્રા) ગામે નવા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ગ્રામજનોને પ્રાથમિક સારવાર માટે હવે દૂર જવાની જરૂરિયાત ઘટશે

કચ્છ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રવાપર સેજા હેઠળ આવતા લક્ષ્મીપર (નેત્રા) ગામના રહેવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે નવી સુવિધાનો પ્રારંભ થયો છે. ગામમાં નવા નિર્માણ પામેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હવે ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે જ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી થઈ છે.

આયુષ્યમાન આરોગ્ય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લક્ષ્મીપર ગ્રામ પંચાયતના સરપંચ સુમરા ઓસમાનભાઈ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું પરંપરાગત રીતે પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના તાલુકા કક્ષાના અધિકારીઓ તથા રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓના મહત્વ અંગે માહિતી આપી હતી. તાલુકા હેલ્થ વિઝિટર ત્રિવેણીબેન જોષી, ટી.બી. સુપરવાઇઝર જયેશભાઈ વણકર, PHC રવાપરના MPHS સુલેમાન એ. પીંજારા, FHS ચંપાબેન સી. રાઠોડ સહિતના આરોગ્યકર્મીઓએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ત્યારબાદ સરપંચશ્રી, આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ અને ગ્રામજનોની હાજરીમાં રીબીન કાપીને નવા આરોગ્ય મંદિરને જનસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બાળાઓ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશ કરાવી કાર્યક્રમને વિશેષ બનાવવામાં આવ્યો હતો.

નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કારણે સામાન્ય આરોગ્ય તપાસ, પ્રાથમિક સારવાર અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન જેવી સેવાઓ માટે ગ્રામજનોને નજીકમાં જ સુવિધા મળી રહેશે. ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને નાની-મોટી આરોગ્ય જરૂરિયાતો માટે દૂરના આરોગ્ય કેન્દ્રો સુધી જવાની મુશ્કેલીમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા PHC રવાપરના આરોગ્ય સ્ટાફ, CHO, MPHW, FHW અને સ્થાનિક આશા બહેનોએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્રિષ્નાબેન રાજગોરે કર્યું હતું, જ્યારે ડૉ. અનેરી બગડીયાએ આભારવિધિ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande