
અમદાવાદ,03 ઓકટોબર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા 'ગુજરાત ભાડા વિધેયક-2026' સામે રાજ્યભરમાં વકીલોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ વિધેયકના વિરોધમાં રાજ્યભરના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર ઉતરશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બોર્ડની બેઠકમાં આગામી 5 ઓક્ટોબરના સોમવારથી સમગ્ર ગુજરાતના તમામ વકીલ મંડળોને અચોક્કસ મુદત માટે કોર્ટ કામગીરીથી અળગા રહી સ્વૈચ્છિક હડતાળ પર જવા આહવાન કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વકીલોએ આ કાયદા સંદર્ભે સંતોષકારક નિરાકરણ ન આવે ત્યાં સુધી લડી લેવાનો મૂડ બનાવ્યો છે.
વકીલ મંડળોની મુખ્ય માંગણી છે કે, સરકાર આ ભાડા વિધેયક સંદર્ભે તમામ કાયદાકીય સત્તાઓ અને ન્યાયિક અધિકારો જ્યુડિશિયરીને જ સોંપે. હડતાળ દરમિયાન રાજ્યભરની તમામ કોર્ટના કામકાજનો બહિષ્કાર કરવામાં આવશે અને વકીલો દ્વારા કોર્ટ કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શનો અને દેખાવો યોજવામાં આવશે.
આ ગંભીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું એક ખાસ પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી અને કાયદા મંત્રી સાથે મુલાકાત માટે સમય માંગશે. વકીલ મંડળોએ સ્પષ્ટ કર્યું છે કે વિધેયકના વિવાદિત પ્રશ્નો અંગે યોગ્ય અને સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન અને હડતાળ યથાવત રહેશે.
તાજેતરમાં લવાયેલા 'ગુજરાત ભાડા વિધેયક-2026'ના વિરોધમાં રાજ્યભરના વકીલો ઉતર્યા છે. આ નવા કાયદા હેઠળ જ્યુડિશિયલ ઓથોરિટીની સત્તાઓ આંચકીને એક્ઝિક્યુટિવ ઓથોરિટીને સોંપી દેવાતા ન્યાયિક પ્રણાલી પર મોટો પ્રહાર થયો હોવાનો વકીલોનો દાવો છે. વડોદરા અને સુરતમાં વકીલોએ કોર્ટના ગેટ બહાર જ ઊભા રહીને વિરોધની સાથે કામ અર્થે આવતા લોકોને બહારથી જ પરત મોકલી દીધા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ