ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો, રૂ.34 હજારની રોકડ સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એક શખ્સ પાસેથી રૂ.34,000ની રોકડ રકમ કબજે કરી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. LCB પોલીસ સ્ટાફ મણાર ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હત
પકડાયેલ આરોપી


ભાવનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એક શખ્સ પાસેથી રૂ.34,000ની રોકડ રકમ કબજે કરી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે.

LCB પોલીસ સ્ટાફ મણાર ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મણાર ગામની ગીતાંજલી ચોકડી નજીક જાહેર રોડ પર બાતમીના આધારે તપાસ કરતાં નાળા ઉપર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેણે રાખોડી રંગનું શર્ટ અને બ્લ્યુ રંગનું પેન્ટ પહેર્યું હતું. તેની પાસે રોકડ રકમ મળી આવતા પોલીસે આ રકમ અંગે પૂછપરછ કરી હતી. જોકે, શખ્સ રોકડ અંગે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ કરતાં શખ્સે પોતાનું નામ પ્રકાશભાઇ જમુરભાઇ ડાભી (21), રહે. મીઠી વિરડી ગામ, તા. તળાજા, જી. ભાવનગર હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે ગત તા. 2 ઓક્ટોબરના રોજ સવારે આશરે 9 વાગ્યે જસપરા ગામ, તા. ઘોઘા ખાતે ભાવુબેન બોઘાભાઇ નૈયાના ઘરે કોઈ હાજર ન હોવાનો લાભ લઈ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટની તિજોરીમાંથી રોકડ રકમ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

રેકોર્ડની ખરાઈ કરતાં આ અંગે અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ભારતીય ચલણી નોટો મળી કુલ રૂ.34,000નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે તેને અલંગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

આ અંગે અલંગ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11198002260401/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 329(3) મુજબ ગુનો નોંધાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande