
જામનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં 45 વર્ષીય પરિણીતા પર ખોટી શંકા કરી, મજૂરીકામ બાબતે મેણા-ટોણા મારી ઢોર માર મારવાનો અને ઘરબાર વગરના કરી દેવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પીડિત મહિલાએ પતિ, સાસુ અને સસરા સામે માનસિક તથા શારીરિક ત્રાસ આપ્યાની જામજોધપુર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
પરિણીતા પર ખોટી શંકા અને મેણા-ટોણા:
સતાપર ગામમાં રહેતા 45 વર્ષીય મંજુબેન ડાભીએ પોતાની પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમના પતિ દીપકભાઈ ગગુભાઈ ડાભી, સાસુ શારદાબેન તથા સસરા ગગુભાઈ ડાભી દ્વારા અવારનવાર તેમના પર ખોટી શંકા-કુશંકાઓ કરવામાં આવતી હતી. આ ઉપરાંત, ઘર તેમજ મજૂરીકામ બાબતે તેમને સતત મેણા-ટોણા મારીને અપમાનિત કરવામાં આવતા હતા.
મારકૂટ, જાનથી મારી નાખવાની ધમકી અને હાંકી કાઢ્યા:
ફરિયાદ અનુસાર, વાત આટલેથી જ અટકી ન હતી. ત્રણેય આરોપીઓએ એકસંપ થઈ મંજુબેનને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ ત્રણેયે ભેગા મળીને ઢીકાપાટુનો બેફામ માર મારીને શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આટલો શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા બાદ પરિણીતાને બળજબરીપૂર્વક ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
પોલીસ કાર્યવાહી અને તપાસ:
આ સમગ્ર બનાવ અંગે જામજોધપુર પોલીસે મંજુબેનની ફરિયાદના આધારે આરોપી પતિ દીપકભાઈ, સાસુ શારદાબેન અને સસરા ગગુભાઈ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસ અહેવાલ મુજબ હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt