
જુનાગઢ, 03 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસોથી મેંદરડા ખાતે પ્રાકૃતિક કૃષિ હાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેંદરડા તાલુકાના નાજાપુર રોડ સ્થિત બી.આર.સી. ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક કૃષિ હાટનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમના દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના સીધા વેચાણ માટે યોગ્ય બજાર વ્યવસ્થા અને સ્થાનિક બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. આ હાટના માધ્યમથી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થશે તેમજ ખેડૂતોને તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું યોગ્ય મૂલ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે. દર શનિવારે ગ્રાહકો સીધા ખેડૂતો પાસેથી પ્રાકૃતિક શાકભાજી સહિતના ઉત્પાદનોની ખરીદી કરી શકશે
કાર્યક્રમમાં આશરે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. હાટ ખાતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત વિવિધ ખેત પેદાશો, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફળો તથા અન્ય પ્રાકૃતિક કૃષિ પેદાશોનો સમાવેશ થાય છે, વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના મહત્વ, ખેડૂતોને મળતા લાભો તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશો માટે બજાર વ્યવસ્થાના વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સ્થાનિક સ્તરે પોતાની પેદાશોનું સીધું વેચાણ કરી વધુ સારી આવક મેળવવા માટે આ પ્રકારના હાટ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કાર્યક્રમ દ્વારા ખેડૂતથી ગ્રાહક સુધી સીધું વેચાણના અભિગમને પ્રોત્સાહન મળ્યું છે અને મેંદરડા તાલુકામાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર તથા પ્રાકૃતિક કૃષિ પેદાશોના બજાર વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ