
સુરત, 03 ઓક્ટોબર (હિ.સ.): એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અઠવાલાઇન્સ લાલ બંગલા સ્થિત સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી ખાતે સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર માયાબેન માવાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા તેમજ દેશના નાગરિકોના સ્વાસ્થ્ય અને આયુષ્યમાં વધારો કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર સશક્ત વિકલ્પ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઝેરમુક્ત અને પૌષ્ટિક ખાદ્ય પેદાશોનું ઉત્પાદન શક્ય બને છે, જે માનવ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જ્ઞાન અને માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગૌમૂત્ર અને ગોબર આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે તેમજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. દક્ષિણ ગુજરાતના કૃષિ સંશોધન કેન્દ્રો અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા અને તેમને તાલીમ આપવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.
મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ પ્રકૃતિ અને પરમાત્મા સાથે જોડાયેલી જીવનશૈલી છે. ઝેરમુક્ત શહેર, રાજ્ય અને દેશના નિર્માણ માટે ખેડૂતોનો પ્રયાસ અભિનંદનને પાત્ર છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતો માત્ર પોતાની આવકમાં વધારો જ નથી કરતા, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને આગામી પેઢીના સ્વસ્થ ભવિષ્ય માટે પણ યોગદાન આપી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના લાભો સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને વધુમાં વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તે માટે સરકાર અને કૃષિ વિભાગ દ્વારા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો ધરતી માતાનું ઋણ ચૂકવવાની સાથે કુદરતી સંસાધનોના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષભાઇ ગામીત, કૃષિ વિભાગના અધિકારીઓ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રતિનિધિઓ, આત્મા (ATMA) સુરતના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે