
જામનગર, 03 ઓક્ટોબર (હિ.સ.) જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી ફોર્મ ભર્યા બાદથી જ બીનહરીફ થઇ હતી. કારણ કે, 12 બેઠક માટે ૧૨ ફોર્મ જ ભરાયા હતાં. જો કે, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દીવસે એકપણ ફોર્મ પાછું ન ખેંચાતા તમામ ૧૨ સભ્યોને વિધિવત રીતે બીનહરીફ જાહેર કરાયા હતાં. તમામ સભ્યો શિક્ષિત હોય સમિતિની શાળાઓમાં શિક્ષણ સહીતની વ્યવસ્થા સુધરશે કે કેમ તે જોવાનું રહ્યું. ગેઝેટમાં સભ્યોના નામ પ્રસિઘ્ધ થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની વિધિવત ઘોષણા કરવામાં આવશે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સિમિતિની ચૂંટણી મહાનગરપાલીકા દ્વારા 9 સપ્ટેમ્બર,2026 ના જાહેર કરવામાં આવી હતી. જે અનુસાર સમિતિની 12 બેઠક માટે 23 સપ્ટેમ્બરના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતાં.
જો કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય અને ચેરમેન બનવા માટે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટતા ૧૨૦થી વધુ દાવેદારો નોંધાયા હતાં. પરંતુ પ્રદેશ ભાજપમાંથી ગ્રેજયુએટ,પૂર્વ નગરસેવક ન હોવા સહીતની આકારા ધારાધોરણ આવતા અનેક મુરતિયાના સ્વપ્ન રોળાયા હતાં. જો કે, ફોર્મ ભરવાના દીવસે 12 બેઠક માટે 12 ફોર્મ ભરાતા ચૂંટણી ઔપચારીક રીતે બિનહરીફ થઇ હતી. ત્યારબાદ ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર 2 ઓકટોબરના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દીવસે એક પણ ફોર્મ પરત ખેેંચાયું ન હતું.
આથી મેયર કાર્યાલયમાં તમામ 12 સભ્યો કે જેમને ફોર્મ ભર્યા હોય તે તમામને બીનહરીફ જાહેર કરાયા હતાં. જેમાં સમિતિની એક અનામત બેઠક, મેટ્રીકયુલેશનની 3 અને સામાન્ય આઠ બેઠક મળી કુલ 12 બેઠક પર એક-એક ફોર્મ જ આવ્યું હતું. જેમાં અનામત બેઠક પર રોશીયા માધવીબેન (બીસીએ), મેટ્રીકયુલેશનની 3 બેઠક પર હેમલ ચોટાઇ (બી.કોમ.એલએલબી), જય કડીવાર (સીવીલ એન્જીનીયર), હીરેન તખ્તાણી (બી.કોમ.એલએલબી, સેક્નડ યર), સામાન્ય 8 બેઠક પર સોલાણી નીતીન (બી.કોમ. એલએલબી), હરેશ નંદા (બી.કોમ), દુષ્યંત સોલંકી (બી.કોમ), ડાકા નરભેરામ (એમએસસી), રીઘ્ધીબેન ડાભી (ટી.વાય.બીએ), રાહુલ મકવાણા (બી.એ.બીપીએડ), ધારા ભટ્ટ (એસ.વાય) નો સમાવેશ થાય છે.
તમામ સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિઘ્ધ થયા બાદ ચેરમેન, વાઇસ ચેરમેનની વિધિવત ઘોષણા કરાશે. જો કે, ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ મહદઅંશે નકકી છે. અત્રે નોંધનીય છે કે, લાંબા સમય બાદ સમિતિના તમામ સભ્યો શિક્ષણ સમિતિના સભ્યો તરીકે શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે ત્યારે સમિતિની સરકારી શાળાઓમાં શિક્ષણ અને અન્ય વ્યવસ્થા સુધરશે કે કેમ તે જોવાનું રહ્યું.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt