
સુરત, 03 ઓક્ટોબર (હિ.સ.) : પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવાના અભિગમ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે આયોજીત સેવા સેતુ કાર્યક્રમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર માયાબેન માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાકીય અને સરકારી યોજનાઓની અરજીઓ માટે ઝોન કચેરી કે મામલતદાર કચેરીએ ન જવું પડે અને સ્થળ પર જ ઉકેલ મળે તે હેતુથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લઈ પોતાના કામો સાકાર કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ રાખવાના સંકલ્પ સાથે વિશેષ હસ્તાક્ષર ઝુંબેશ અંતર્ગત મંચસ્થ મહાનુભાવો દ્વારા સ્વચ્છતા હસ્તાક્ષર કરીને નાગરિકોને પણ પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અને આ અભિયાનમાં સક્રિય યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો.
અલથાણ સ્થિત સેવા સેતું કાર્યક્રમમાં મુખ્યત્વે રેવન્યુ અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આવકના દાખલા, જાતિના દાખલા, નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ, વિધવા સહાય અને રાશન કાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના નિઃશુલ્ક આયુષ્માન ભારત કાર્ડ, નવું રાશન કાર્ડ બનાવવું, નામ ઉમેરવું કે કમી કરવું તેમજ ઈ-કેવાયસી જેવી બાબતોનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આધાર કાર્ડ-બેંક એકાઉન્ટ લિંક, કિસાન ક્રેડિટ કાર્ડ, જન્મ-મરણ પ્રમાણપત્ર, મિલકત આકારણીના ઉતારા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, નવું બેંક એકાઉન્ટ, પી.એમ. સુરક્ષા વીમા યોજના સહિતની વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓ માટે આવેલી અરજીઓનો પણ સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગ મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલ, પૂર્વ ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા, પ્રાંત અધિકારી, મામલતદાર, કોર્પોરેટરો સર્વઓ, સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે