
રાજકોટ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં મેડિકલ લીગલ કેસ (એમએલસી) અંગે યોગ્ય સંકલનના અભાવે પોલીસ અને ડોક્ટરો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય કેસમાં પણ પોલીસને કરાતી જાણને કારણે બંને તંત્રનું અનાવશ્યક ભારણ વધે છે. હોસ્પિટલના નવા સુપ્રીડેન્ટ દ્વારા પોલીસ સાથે સંયુક્ત બેઠક યોજી ચોક્કસ માપદંડો સાથે નવી માર્ગદર્શિકા (એસઓપી) તૈયાર કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
હાલની વ્યવસ્થા મુજબ અત્યંત નજીવી બાબતોમાં પણ ઇમર્જન્સી વિભાગ દ્વારા પોલીસને એમએલસી અંગે માહિતી આપી દેવામાં આવે છે. કેસની સ્થિતિ તપાસ્યા બાદ જો પોલીસને કાયદાકીય કાર્યવાહીની જરૂર જણાતી નથી, તો આરએમઓ દ્વારા ફરજ પરના તબીબ પાસે લેખિત ખુલાસો માગવામાં આવે છે. ઉપરના તંત્રનું દબાણ અને પોલીસની અનિચ્છા વચ્ચે ફરજ પરના ડોક્ટરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
હોસ્પિટલ તરફથી સામાન્ય બનાવની જાણ થતાં જ પોલીસ કર્મચારીએ તાત્કાલિક સ્થળ, હકીકત અને ક્ષેત્રાધિકાર અંગે તપાસ કરવી પડે છે. કેસમાં એમએલસીની જરૂરિયાત ન નીકળે તો પણ પ્રારંભિક દોડધામમાં પોલીસનો સમય અને માનવબળ વેડફાય છે. સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર હોવાથી અન્ય જિલ્લાઓની પોલીસ કામગીરી પર પણ આ અસ્પષ્ટ પ્રક્રિયાની નકારાત્મક અસર પડે છે.
નવા સુપ્રીડેન્ટની નિમણૂક બાદ હવે તબીબી અને પોલીસ તંત્ર વચ્ચે સંકલન સાધીને કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત છે. મેડિકલ વિભાગ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત બેઠક યોજી કયા માપદંડોના આધારે એમએલસી કન્ફર્મ કરવું, કઈ પરિસ્થિતિમાં પોલીસને જાણ કરવી અને કયા સંજોગોમાં ખુલાસો માંગવો તે અંગેની સ્પષ્ટતા ધરાવતી આખરી માર્ગદર્શિકા જાહેર થવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt