
સુરત, 03 ઓક્ટોબર (હિ.સ.): ઓલપાડ તાલુકાના કીમ ગામે રહેતા અને ફૂલ વેચવાનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 60 વર્ષીય મહિલા અલકાબેન વસંતભાઈ માળીના ઘરે તાજેતરમાં થયેલી રૂ.14.28 લાખના સોનાના ઘરેણાની ચોરીના ગુનાનો સુરત ગ્રામ્ય પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યા છે, એટલું જ નહીં, આરોપીએ સોનીને ઘરેણા વેચી રોકડ મેળવી હોવાથી સોનુ ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી છે. કીમ પોલીસ સ્ટેશનની સતર્ક અને સઘન તપાસના પરિણામે પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાંથી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીડિત મહિલાએ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સુરત ખાતે રૂબરૂ મળી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને કીમ પોલીસના ઉમદા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ અલકાબેન સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને પોલીસ અને સરકાર હરહંમેશ સામાન્યજનની પડખે ઉભી છે એવી હૈયાધારણા આપી હતી.
ઘટનાની વિગતો અનુસાર ગત તા.૪ ઓગસ્ટના રોજ સવારે કીમ ખાતે રહેતા અલકાબેન વસંતભાઈ માળીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કબાટ તોડી રોકડ રકમ તેમજ કિંમતી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 14.28 લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે કીમ પોલીસ સ્ટેશનમાં અરજી તેમજ 19 ઓગસ્ટે ફરિયાદ આપ્યા બાદ જિલ્લા પોલીસ વડા રાજન ગઢીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ સુ બી.એ. જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલો વિપુલભાઈ અને ધર્મેશભાઈની ટીમે ત્વરિત અને સક્રિય અભિગમ દાખવી તપાસ શરૂ કરી હતી.
પોલીસે પીડિત મહિલાને હિંમત આપી બાંહેધરી આપી હતી કે તેમની પરસેવાની કમાણી સુરક્ષિત પરત મેળવવામાં આવશે. પોલીસની સઘન ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તપાસના આધારે ટીમે મહારાષ્ટ્રના જલગાંવ સુધી પહોંચીને ચોરને દબોચી લીધો હતો. એટલું જ નહીં, આરોપીએ ઘરેણા એક સ્થાનિક સોનીને વેચી નાખ્યા હોવાથી અને સોની દ્વારા દાગીના ગાળી નાખવામાં આવ્યા હોવાની હકીકત બહાર આવતા, પોલીસે ત્વરિત કામગીરી કરી સોનીને પણ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રૂ. 2.37 લાખની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ઉપરાંત, બેન્કમાં છ લાખની એફ.ડી. કરી હોવાથી પોલીસે એફ.ડી. તોડાવી નાણા રિકવર કર્યા હતા. બાકીની રોકડ રકમ ચોરે અલગ અલગ જગ્યાએ છુપાવી હોવાથી તમામ રકમ રિકવર કરી હતી. પોલીસની આ રાત-દિવસની મહેનત અને પીડિત પ્રત્યેની સંવેદનશીલતાને કારણે અલકાબેનને તેમની મહેનતની કમાણી પરત મળી શકી છે.
પોતાની મરણ મૂડી પરત મળતા અત્યંત ભાવુક બનેલા અલકાબેને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોલીસની મહેનત અને સાંત્વનાથી મને ન્યાય મળ્યો છે. હું કીમના રણછોડનગર સ્થિત હનુમાનજી મંદિરે ફૂલો વેચીને ગુજરાન ચલાવું છું. મને જેમના પર આસ્થા છે એવા હનુમાનજી દાદાના વાર શનિવારે જ મને મારી રકમ પરત મળી છે. પોલીસકર્મીઓ મારા માટે ભગવાન સમાન સાબિત થયા છે.
ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરી બદલ અને પોલીસના સહયોગથી પોતાની મહેનતની કમાણી પરત મળવાના આનંદને વ્યક્ત કરવા માટે આજે અલકાબેને સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત લીધી હતી અને તેમનો તથા પોલીસ પ્રશાસનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતથી અલકાબેને કાયદો અને વ્યવસ્થા પ્રત્યે અડગ વિશ્વાસ અને ખુશી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે