રાજકોટ : 'ગૂગલ IPTV' એપ ડાઉનલોડ કરાવી વેપારીનો મોબાઈલ હેક કરી રૂ. ૨.૨૧ લાખની ઓનલાઈન ઠગાઈ
રાજકોટ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના હરિધવા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેતા અને ગોંડલ ચોકડી નજીક પંપનો વ્યવસાય કરતા સંજયભાઈ પાંચાભાઈ ડાભી નામના વેપારી સાઈબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગત તારીખ ૨૩ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વેપારી પોતાના ઘરે હતા ત્ય
સાયબર ફ્રોડ


રાજકોટ, 03 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના હરિધવા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેતા અને ગોંડલ ચોકડી નજીક પંપનો વ્યવસાય કરતા સંજયભાઈ પાંચાભાઈ ડાભી નામના વેપારી સાઈબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગત તારીખ ૨૩ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વેપારી પોતાના ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર ઈન્ડસઈન્ડ બેંકમાંથી રૂ. ૯૯,૯૯૯.૯૯ કપાઈ ગયાનો મેસેજ આવ્યો હતો. સંજયભાઈએ તુરંત જ બેંક એપ્લિકેશન ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સ્માર્ટફોન હેક થઈ ચૂક્યો હતો અને ડિસ્પ્લે પર 'GOOGLE IPTV' નામની એરર દર્શાવતી હતી. અજાણી ફાઈલ દ્વારા સાયબર ઠગોએ મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો.

મોબાઈલ હેક થયા બાદ વેપારીએ તાત્કાલિક પોતાના ભાઈની દુકાને પહોંચી સ્માર્ટફોનને સેફ મોડમાં ચાલુ કરીને શંકાસ્પદ એપ્લિકેશનને ડિલીટ કરી હતી. ત્યારબાદ તેઓએ બેંકમાં રૂબરૂ જઈને તપાસ કરતા સામે આવ્યું કે તેમના ઈન્ડસઈન્ડ બેંક તેમજ એચડીએફસી બેંકના ખાતાઓમાંથી ચાર અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૨,૨૧,૭૮૮.૪૮ અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. ઠગાઈની જાણ થતાં જ વેપારીએ બેંક એકાઉન્ટના ઓનલાઈન વ્યવહારો બંધ કરાવ્યા હતા.

પોતાની સાથે મોટી રકમની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં જ સંજયભાઈએ સમય સૂચકતા વાપરીને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કૉલ કરીને ઘટના અંગેની પ્રાથમિક ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. સાયબર ઠગોએ ગુપ્ત બેંકિંગ માહિતી અને યુપીઆઈ આઈડી મેળવીને આ આખી લૂંટને અંજામ આપ્યો હતો, જેથી ભવિષ્યમાં વધુ આર્થિક નુકસાન ન થાય તે માટે તાત્કાલિક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ગત તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાજકોટના ભક્તિનગર પોલીસ મથકે વિધિવત રીતે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૬૧(૨) તેમજ આઈટી એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઠગાઈની રકમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ફિનો પેમેન્ટ્સ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેંકના ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી. આ બેંક ખાતાધારકો તેમજ મોબાઈલ હેક કરનાર ઈસમોને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હાલ આ સમગ્ર કેસની વધુ તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જયદિપસિંહ ડી. પરમાર ચલાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande