સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ વર્ષ-2026-27ની બેઠક મળી
સુરત, 03 ઓક્ટોબર (હિ.સ.) : પ્રજાની સુખાકારી માટે કરવાના થતા કામો ગુણવત્તાયુકત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય એની વિશેષ કાળજી રાખવામાં આવે એમ રાજયના નાણા, શહેરી વિકાસ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
Tribal Development Board Meeting


સુરત, 03 ઓક્ટોબર (હિ.સ.) : પ્રજાની સુખાકારી માટે કરવાના થતા કામો ગુણવત્તાયુકત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય એની વિશેષ કાળજી રાખવામાં આવે એમ રાજયના નાણા, શહેરી વિકાસ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

સુરત જિલ્લા કલેકટર કચેરીના સખાખંડમાં યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ-૨૦૨૬-૨૭ની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા પ્રભારી મંત્રી કહ્યું હતું કે, આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલા કામો સમયમર્યાદામાં પુરા થાય એ ખૂબ જરૂરી છે. તમામ અધિકારીઓ પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. બેઠકમાં ૯૬ ટકા વિવેકાધિન જોગવાઈ તથા ૪ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂા.૮૭૧૮ લાખના ૧૯૪૪ જેટલા વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, ધારાસભ્ય સર્વ ગણપતભાઇ વસાવા, મોહનભાઇ ઢોડિયા, ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેકટર તેજસ પરમારે ઉપયોગી સૂચનો કર્યા હતા.

બેઠક દરમિયાન ન્યુ ગુજરાત પેટર્ન ૯૬ ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ કૃષિ, પશુપાલન, ડેરી, વનવિકાસ, ગ્રામ્ય વિકાસ, નાની સિંચાઈ, પોષણ, માર્ગ અને પુલો સહિતના કામો મજુર કરવામાં આવ્યા હતા. જેમાં માંડવીના રૂા.૧૧.૩૭ કરોડના ૩૨૩ વિકાસકામો, અરેઠના રૂા.૫.૦૬ કરોડના ૧૮૯ કામો, માંગરોળના રૂા.૧૦.૩૯ કરોડના ૨૦૦ વિકાસકામો, ઉમરપાડાના રૂા.૮.૮૧ કરોડના ૧૬૨ વિકાસકામો, બારડોલીના રૂા.૧૧.૦૪ કરોડના ૨૧૭ વિકાસકામો, મહુવાના ૫.૮૮ કરોડના ૧૩૪ વિકાસકામો, અંબિકા તાલુકાના રૂા.૭.૪૦ કરોડના ૧૩૪ કામો, પલસાણાના રૂા.૪.૫૧ કરોડના ૧૦૪ વિકાસકામો, કામરેજના રૂા.૬.૩૭ કરોડના ૧૨૫ વિકાસકામો, ઓલપાડના રૂા.૫.૨૩ કરોડના ૯૫ વિકાસકામો અને ચોર્યાસીના રૂા.૩.૩૨ કરોડના ૬૮ વિકાસકામોના રજૂ કરવામાં આવેલા આયોજનને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ન્યુ- ગુજરાત પેટર્ન ૪ ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ પલસાણા તાલુકાના રૂા.૧૭૯ લાખના ૪૪ વિકાસકામો, કામરેજના રૂા.૨૫૩ લાખના ૫૩ વિકાસકામો, ઓલપાડ તાલુકાના રૂા.૨૦૮ લાખના ૪૭ વિકાસકામો અને ચોર્યાસી તાલુકાના રૂા.૧૩૨ લાખના ૪૯ કામોના રજૂ કરવામાં આવેલા આયોજનને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

બેઠકના પ્રારંભમાં ગત વર્ષની આદિજાતિ જિલ્લા મંડળના વિકાસકામો અંગે પ્રભારી મંત્રી દ્વારા વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસકામોની સમીક્ષા દરમિયાન તેમણે પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું.

આ બેઠકમાં માંડવીના પ્રાયોજના વહીવટદાર એસ.એમ.ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande