
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) : માધવપુરની પરિશ્રમ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા બે બાળકોને મળવા દેવાની ના પાડતાં એક શખ્સે ઉશ્કેરાઈને ધારદાર હથિયારો સાથે શાળામાં આવી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ સ્ટીલના ધારદાર કાતાથી એક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની, શાળાની ઓફિસના દરવાજા અને બારીઓમાં તોડફોડ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માધવપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, પીપળી ગામના પ્રવિણ પુંજાભાઈ રાવલીયા (36), જેઓ શાળા સંચાલક છે, તેમની શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા બે બાળકોને મળવા આરોપી કેશુભાઈ કેશવાલા આવ્યો હતો. શાળાના કર્મચારીઓ આરોપીને ઓળખતા ન હોવાથી બન્ને બાળકોના વાલીઓ સાથે ફોન પર વાત કરી હતી. વાલીઓએ આરોપીને ઓળખતા નહોવાનું જણાવી બાળકોને મળવા દેવાનીના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડા સમય બાદ આરોપી એક હાથમાં સ્ટીલનો ધારદાર કાતો અને દાતરડું લઈને ફરી શાળામાં આવ્યો હતો. તેણે સાહેદ અરુણભાઈ પુંજાભાઈ રાવલીયાને ગાળો આપી જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરવા દોડ્યો હતો. અરુણભાઈ ઓફિસમાં જતા રહેતાં આરોપીએ તેમની પાછળ જઈ ગળાના ભાગે કાતાથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઉપરાંત ઓફિસના દરવાજા અને બારીઓમાં તોડફોડ કરી હતી તથા ફરિયાદી અને અન્ય સાહેદોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya