
રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના ઉત્સવમાં કર્મચારીઓ, વેપારી મિત્રો અને સ્વજનોને ભેટ આપવાની પરંપરા વચ્ચે આ વર્ષે ડ્રાયફ્રૂટના ભાવમાં 50 ટકા સુધીનો મોટો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અને સપ્લાય ચેઇનની સમસ્યાઓને લીધે મોંઘવારી વધવા છતાં બજારમાં ગિફ્ટ હેમ્પર્સના ઓર્ડરમાં કોઈ કમી આવી નથી. લોકો પોતાની ભેટ આપવાની સંસ્કૃતિ જાળવી રાખવા માટે બજેટ અનુસાર આકર્ષક કસ્ટમાઇઝ્ડ હેમ્પર્સ તરફ વળી રહ્યા છે.
ઇરાન અને અમેરિકા વચ્ચેની સ્થિતિને કારણે ડોલરના ભાવ અને કન્ટેનર ભાડાં વધતાં ડ્રાયફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા છે. વિગતો મુજબ, બદામમાં 50 ટકા, પિસ્તામાં 35થી 55 ટકા અને કાજુમાં 15 ટકા સુધીનો વધારો થયો છે, જ્યારે સામે અંજીરના ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવવધારા હોવા છતાં રાજકોટ સહિતના વેપારીઓને 70,000થી વધુ ગિફ્ટ હેમ્પર્સના અઢળક ઓર્ડર મળ્યા છે. મોટા ભાગના કોર્પોરેટ અને ઉદ્યોગકારો તહેવારના 15 દિવસ અગાઉથી આ હેમ્પર્સ બુક કરાવી રહ્યા છે.
મોંઘા ડ્રાયફ્રૂટના વિકલ્પ તરીકે ગ્રાહકો હવે સીડ્સ, બેરીઝ, કૂકીઝ અને ચોકલેટ્સ તરફ પસંદગી ઉતારી રહ્યા છે. ખાસ કરીને પિસ્તા અને બદામની માત્રા ઘટાડીને તેના બદલે પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ઓટ્સ અને મગજતરીના બીજનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. રૂ. 600થી રૂ. 1,000 પ્રતિ કિલોની રેન્જમાં મળતી ચોકલેટ્સ હેમ્પર્સ માટે એક સસ્તો અને ટ્રેન્ડી વિકલ્પ બની ગઈ છે. આ રીતે ગિફ્ટિંગનું સ્વરૂપ બદલાતાં ગ્રાહકોને બજેટ સાચવવામાં સરળતા રહી છે.
હેમ્પર્સની રજૂઆત અને પેકિંગમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉના પરંપરાગત બોક્સ પેકિંગના બદલે હવે આકર્ષક કાચની કે પ્લાસ્ટિકની જાર (બરણીઓ)માં ડ્રાયફ્રૂટ અને સામગ્રી પેક કરવાની માંગ વધી છે. એક જ હેમ્પરમાં ત્રણથી ચાર અલગ-અલગ જાર ગોઠવીને તેને વધુ દેખાવડું બનાવવામાં આવે છે. જોકે પેકિંગ બોક્સના ભાવ રૂ. 250-300થી વધીને રૂ. 350-400 થતાં એકંદર કોસ્ટ પર તેની અસર પડી છે, છતાં ડિમાન્ડ જળવાઈ રહી છે.
વેપારીઓ દ્વારા ગ્રાહકોની જરૂરિયાત અને બજેટ મુજબ રૂ. 600થી લઈને રૂ. 5,000 સુધીના વિવિધ કમ્બાઇન્ડ હેમ્પર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મોંઘવારીના કારણે સામગ્રીની માત્રા અને કદ ભલે થોડા નાના થયા હોય, પણ ઉત્સવનો ઉત્સાહ અને ભેટ આપવાની પરંપરા અકબંધ રહી છે. ગ્રાહકોના બદલાતા અભિગમથી વેપારીઓને પણ નવી પ્રોડક્ટ્સ અને કોમ્બિનેશન સાથે બજારમાં સારું વેચાણ કરવાની ઉત્તમ તક મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt