
ભાવનગર, 30 ઓક્ટોબર (હિ.સ.)મહુવા નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને યોજનાના ૨૪મા હપ્તાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં ૧૮,૬૮૦ કરોડ રૂપિયાથી વધુની સહાય જમા કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને ૧,૦૫૧ કરોડ રૂપિયાથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.
મહુવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન, કાઉન્સિલરો, નગરપાલિકાના કર્મચારીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખેડૂતોના આર્થિક સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી વિવિધ યોજનાઓના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને આર્થિક સહાય મળી રહે અને ખેતીના ખર્ચમાં ટેકો મળે તેવા હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
ખેડૂતો દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. ખેડૂત સમૃદ્ધ બને તો દેશની સમૃદ્ધિનો માર્ગ વધુ મજબૂત બને તેવા સંદેશ સાથે કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA