

- સુઝલોન ફાઉન્ડેશન અને કે.સી.આર.સી. અંધજન મંડળની સંયુક્ત પહેલથી ચીયાસર, દાહા અને ધાણેટીના દિવ્યાંગ લાભાર્થીઓને મળી રોજગારીની નવી તક.
કચ્છ, 30 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં દિવ્યાંગ વ્યક્તિઓને માત્ર આર્થિક સહાય પૂરી પાડવાને બદલે પોતાના પગ પર ઊભા રહેવાની તક મળે તેવા આશય સાથે સેવાભાવી પહેલ હાથ ધરવામાં આવી છે. સુઝલોન ફાઉન્ડેશન અને કે.સી.આર.સી. અંધજન મંડળ, ભુજના સંયુક્ત પ્રયાસોથી સુમીન્દ પ્રોજેક્ટ અંતર્ગત ચીયાસર, દાહા અને ધાણેટી ગામના દિવ્યાંગ લાભાર્થીઓને ઘરઘંટી (આટા ચક્કી)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી લાભાર્થીઓ માટે સ્વરોજગારીનું નવું માધ્યમ ઊભું થવાની સાથે આત્મનિર્ભર જીવન તરફ આગળ વધવાનો માર્ગ પણ ખુલ્યો છે.
આ યોજનાનો મુખ્ય હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને તેમની ક્ષમતા અનુસાર રોજગાર કરવાની તક પૂરી પાડવાનો અને પરિવારની આર્થિક જવાબદારીમાં તેઓ પણ યોગદાન આપી શકે તેવો માહોલ ઊભો કરવાનો છે. ઘરઘંટી જેવા વ્યવસાયલક્ષી સાધન મળવાથી લાભાર્થીઓ પોતાના ગામમાં જ લોટ દળવાની કામગીરી શરૂ કરી શકે છે. તેના થકી આવકનું સાધન ઊભું કરવાની અને સ્વમાનભેર જીવન જીવવાની દિશામાં તેઓ આગળ વધી શકશે.
ચીયાસર જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ચીયાસર અને દાહા ગામમાં યોજાયેલા વિતરણ કાર્યક્રમમાં સરપંચના પ્રતિનિધિ મજીદ મિયાંજી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મહેન્દ્રભાઈ ગજરા, કે.સી.આર.સી. અંધજન મંડળના પચાણભાઈ ગઢવી અને અબ્દુલભાઈ રાયમા તેમજ સુઝલોન કંપનીના હમીરભાઈ સાનિયા ઉપસ્થિત રહ્યા હતા. દાહા ગામ તરફથી વેરસીભાઈ રબારી સહિતના સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી હતી.
આ જ સેવાકાર્યના ભાગરૂપે ધાણેટી ગામમાં પણ એક દિવ્યાંગ લાભાર્થીને ઘરઘંટી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ મહેશભાઈ, કરમણભાઈ તેમજ ગ્રામ પંચાયતના મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ વ્યક્તિઓને જીવનનિર્વાહ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાની સાથે તેમને સ્વરોજગાર માટે પ્રેરિત કરતી આવી પહેલ સામાજિક વિકાસની દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે. સહાયનું સાધન જ્યારે રોજગારીનું માધ્યમ બને છે ત્યારે તે માત્ર એક પરિવારની આર્થિક સ્થિતિમાં જ નહીં, પરંતુ લાભાર્થીના આત્મવિશ્વાસ અને સામાજિક સ્વીકૃતિમાં પણ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. સુઝલોન ફાઉન્ડેશન અને કે.સી.આર.સી. અંધજન મંડળની આ પહેલે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનવાની નવી આશા આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar