
રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના કરોડોના કારોબાર ધરાવતા સોની બજારના નવા નાકા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. દારૂ પીને ધમાલ મચાવવી, વેપારીઓ પર હુમલા કરવા, તોડફોડ કરવી તથા મહિલાઓની છેડતી જેવી ઘટનાઓથી વેપારીઓમાં ભારે ભય અને રોષ વ્યાપ્યો છે. પોલીસ તંત્રની ઢીલી નીતિને કારણે ગુનેગારો બેખોફ બનીને ગુનાખોરી આચરી રહ્યા હોવાના આક્ષેપ સાથે વેપારીઓ સુરક્ષાની માંગ કરી રહ્યા છે.
તાજેતમાં નવા નાકા રોડ પર આવેલા સી.પી. જ્વેલર્સના માલિક સાથે બનેલી ચોંકાવનારી ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શનિવારે સવારે વેપારીએ પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેનો જરાય ડર રાખ્યા વગર સાંજના સમયે અસામાજિક તત્ત્વો દુકાનમાં ધસી આવ્યા હતા. લુખ્ખાઓએ વેપારીના બંને પુત્રો પર લાકડીઓ વડે ઘાતક હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને દુકાનમાં તોડફોડ કરી આસપાસના વિસ્તારમાં તાંડવ મચાવ્યું હતું.
નવા નાકા રોડથી નજીકમાં જ કોઠારિયા નાકા ચોક પાસે પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં અસામાજિક તત્ત્વો બેફામ દાદાગીરી કરી રહ્યા છે. પોલીસ દ્વારા માત્ર કામચલાઉ પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ પોલીસ જતાં જ સ્થિતિ પૂર્વવત થઈ જાય છે. સવારે ફરિયાદ કર્યા બાદ પણ સાંજે પોલીસ રક્ષણ ન મળતાં અસામાજિક તત્ત્વોનો ભય સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હોવાનું સ્પષ્ટ દેખાય છે. અગાઉ ધરપકડ કરાયેલા શખ્સો છૂટી ગયા બાદ ફરી આવી પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે.
આ વિસ્તારમાં આવેલા અંદાજે 200 જેટલી સોના-ચાંદીની દુકાનો ધરાવતા વેપારીઓ આશરે 10 જેટલાં અસામાજિક તત્ત્વોના ત્રાસથી પરેશાન છે. આ શખ્સો દુકાનો બહાર ઊભા રહી દાદાગીરી કરે છે, ગ્રાહકોને હેરાન કરે છે અને કથિત રીતે લૂંટના માલની લે-વેચ કરવાનો પ્રયાસ કરે છે. વધુમાં, વિસ્તારમાંથી પસાર થતી બહેનો-દીકરીઓની પજવણી પણ કરવામાં આવે છે, જેનાથી વેપારીઓને પોતાના ધંધા સાથે પરિવાર અને ગ્રાહકોની સુરક્ષાની ભારે ચિંતા સતાવી રહી છે.
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સોની બજારમાં ગ્રાહકોની અવરજવર વધવાની શક્યતા હોવાથી વેપારીઓએ કાયમી ઉકેલની માગ કરી છે. ગઈકાલે સાંજે વેપારીઓનું મંડળ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું. વેપારીઓએ નવા નાકા વિસ્તારમાં 24 કલાક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવાની અને અસામાજિક તત્ત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરી છે, જેથી વેપાર-રોજગાર માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt