
રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરમાં તહેવારોની મોસમમાં ખરીદી અને પ્રવાસનું વાતાવરણ જામ્યું છે ત્યારે નાગરિકોની સુરક્ષા અને માલ-મિલકતની રક્ષણ માટે શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ડીસીપી હેતલ પટેલે તહેવારો દરમિયાન નાગરિકોને ડિજિટલ સુરક્ષાથી લઈને રસ્તા પરની સાવચેતી અંગે જાગૃત રહેવા વિશેષ અનુરોધ કર્યો છે.
આજના ડિજિટલ યુગમાં લોકો બહાર ફરવા જાય ત્યારે તુરંત જ અંગત ફોટા અને લોકેશન સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે, જે ગુનેગારોની નજરે ચડી શકે છે અને ચોરીનું જોખમ વધારે છે. પ્રવાસ દરમિયાન કે બહારગામ જતી વખતે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવાનું ટાળવું જોઈએ અને પ્રવાસથી પરત આવ્યા બાદ જ ફોટા અપલોડ કરવાનો આગ્રહ રાખવો સલામત છે.
તહેવારોમાં બજારોમાં ભારે ભીડભાડ રહેતી હોવાથી ખરીદી માટે નીકળો ત્યારે વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. ભીડભાડ વાળા વિસ્તારોમાં સોનાની ચેઇન, કિંમતી મોબાઈલ અને પર્સ સ્નેચિંગની ઘટનાઓથી બચવા વિશેષ સાવધાની રાખવી, તેમજ મહિલાઓએ દાગીના બાબતે વધુ સતર્ક રહેવું જોઈએ.
ખિસ્સાકાતરૂઓથી બચવા માટે બજારમાં મોટી રકમની રોકડ સાથે રાખવાને બદલે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, જેથી નાણાંની સુરક્ષા જળવાઈ રહે. આ ઉપરાંત, જાહેર સ્થળોએ કે રેલવે-બસ સ્ટેશન પર કોઈ બિનવારસી અથવા અજાણી વસ્તુ દેખાય તો તેનાથી દૂર રહી તુરંત પોલીસને જાણ કરવી જોઈએ કારણ કે તેમાં વિસ્ફોટક પદાર્થ પણ હોઈ શકે છે.
લાંબા સમય માટે બહારગામ જવાના હોવ ત્યારે ઘરમાં મોટી માત્રામાં રોકડ કે કિંમતી દાગીના ન રાખતા તેને બેંક લોકરમાં સુરક્ષિત રાખવા અને પડોશી કે સોસાયટીના ચોકીદારને તેની જાણ કરવી હિતાવહ છે. સાથે જ, સાયબર ફ્રોડથી બચવા માટે અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટ, શંકાસ્પદ એપીકે ફાઇલ્સ અને અજાણ્યા વિડિયો કોલથી દૂર રહી સજાગ રહેવું જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt