
જામનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પ્રાદેશિક કાર્યાલય દ્વારા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ 2026’ નિમિત્તે ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિશેષ વોકથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સહભાગીઓએ ભ્રષ્ટાચાર વિરોધી સંદેશાઓ અને નૈતિક મૂલ્યો દર્શાવતા પ્લેકાર્ડ અને બેનરો સાથે રાખી જનજાગૃતિ ફેલાવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોને પ્રામાણિકતા અપનાવવા અને ભ્રષ્ટાચાર મુક્ત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરવાનો હતો.
આ આયોજન દ્વારા બેંકે પોતાની તમામ પ્રવૃત્તિઓમાં પ્રમાણિકતા અને નૈતિક આચરણના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ‘પ્રમાણિકતા અપનાવો, ભ્રષ્ટાચારને ના કહો અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરો’ તેવો સબળ સંદેશ આ ઇવેન્ટ થકી આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર અભિયાન દ્વારા બેંકે પારદર્શિતા અને જવાબદારીના વ્યાપક ગુણોને જનમાનસ સુધી પહોંચાડ્યા છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા હંમેશાં શ્રેષ્ઠતા, પારદર્શિતા અને નાગરિકોના વિશ્વાસને મજબૂત કરવા માટે કટિબદ્ધ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt