રાજકોટમાં દિવાળી તહેવાર નિમિત્તે ઔદ્યોગિક વિસ્તારો અને મુખ્ય બજારોમાં ચારથી છ દિવસના વેકેશનનું આયોજન
રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવારને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તહેવાર નિમિત્તે રાજકોટના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો તેમજ શહેરની વિવિધ બજારોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કેટલીક બજારોમાં બેસતા વર
રેસકોર્સ નો દિવાળી કાર્નિવલ રદ થવાની શક્યતા


રાજકોટ, 30 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવારને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તહેવાર નિમિત્તે રાજકોટના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો તેમજ શહેરની વિવિધ બજારોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કેટલીક બજારોમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી રજા રહેશે, જ્યારે ઔદ્યોગિક એકમોમાં તબક્કાવાર કામકાજ શરૂ થશે. વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા રજાઓ અને મુહૂર્ત સાચવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આજી GIDCમાં રવિવારથી છ દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે અને લાભ પાંચમના દિવસથી ઔદ્યોગિક એકમોમાં કામકાજ ફરી શરૂ કરાશે. શનિવારે સાંજે કામદારોને રજા આપી દેવામાં આવશે જેથી તેઓ તહેવાર ઉજવી શકે. બીજી તરફ લોધિકા GIDCના 1,200 જેટલાં ઔદ્યોગિક એકમો પણ દિવાળીના દિવસથી બંધ રહેશે. ત્યાં ત્રીજ અથવા લાભ પાંચમના દિવસથી કામકાજ શરૂ થશે. આ વિસ્તારમાં આશરે 50 હજાર કામદારો રોજગારી મેળવે છે.

શાપર-વેરાવળ GIDCમાં આવેલા 4,000 જેટલાં ઔદ્યોગિક એકમોમાં દિવાળીના દિવસથી રજાઓ શરૂ થશે અને લાભ પાંચમે કામકાજ પુનઃ શરૂ થશે. આ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિકો સહિત આશરે એક લાખ લોકો કામ કરે છે, જેમાંથી 70 હજારથી વધુ પરપ્રાંતિય શ્રમિકો વતન તરફ જશે. આ સિવાય ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ, કોઠારિયા નાકા અને સોની બજાર સહિતના વિસ્તારોમાં પણ વેકેશન રહેશે.

આ વર્ષે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસ હોવાથી અલગ-અલગ વેપારી એસોસિયેશને જુદા-જુદા સમયપત્રક ઘડ્યા છે. કોઠારિયા નાકા, ભૂપેન્દ્ર રોડ અને પેલેસ રોડની 150 જેટલી દુકાનો સોમવારથી બુધવાર સુધી બંધ રહેશે અને ગુરુવારથી રાબેતા મુજબ શરૂ થશે. ગુંદાવાડી રોડ પરની 500 દુકાનો મંગળવારથી શુક્રવાર સુધી બંધ રહેશે અને શનિવારે લાભ પાંચમથી ખુલ્લી મુકાશે. પડતર દિવસે ગુંદાવાડીમાં દુકાનો મોડે સુધી ખુલ્લી રહેશે.

લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ પર રેડીમેડ કપડાં તેમજ બૂટ-ચંપલની દુકાનો સોમવાર સુધી ચાલુ રાખવામાં આવશે, જેથી ગ્રાહકોને ખરીદીનો પૂરતો સમય મળી રહે. અન્ય તમામ દુકાનો સોમવારથી લાભ પાંચમ સુધી બંધ રાખવામાં આવશે. આમ, રાજકોટ શહેર અને ઔદ્યોગિક વિસ્તારોમાં વેપારી એસોસિયેશનો દ્વારા પોતાની અનુકૂળતા મુજબ દિવાળી વેકેશનનું જુદું-જુદું આયોજન કરીને તહેવારની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande