સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્ય બનવા માટે આવતીકાલે HTAT ની પરીક્ષા: 37,414 શિક્ષકો આપશે કસોટી
રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્ય) ની ભરતી માટે લેવાતી એચટીએટી (HTAT) ની પરીક્ષાનું આવતીકાલે રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી કુલ 37,414 શિક્ષકો આ સ્પર્ધાત્મક કસોટીમ
શિક્ષકોની પરીક્ષા


રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્ય) ની ભરતી માટે લેવાતી એચટીએટી (HTAT) ની પરીક્ષાનું આવતીકાલે રવિવારે આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યભરમાંથી કુલ 37,414 શિક્ષકો આ સ્પર્ધાત્મક કસોટીમાં ભાગ લેશે. આ પરીક્ષા માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ કુલ ચાર મુખ્ય સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓના ઉમેદવારો માટે રાજકોટ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કસોટીના માધ્યમથી સરકારી શાળાઓમાં અનુભવી શિક્ષકોને આચાર્ય તરીકે ઉન્નતિ મેળવવાની તક સાંપડશે.

રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર-કચ્છના 6,218 શિક્ષક ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે શહેરમાં સીસીટીવી કેમેરાથી સજ્જ 32 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો કુલ 191 કેન્દ્રોના 1,872 બ્લોકમાં પરીક્ષાનું સંચાલન થશે. તમામ પરીક્ષા પેપરો પોલીસ બંદોબસ્ત હેઠળ કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. ચોરી અને ગેરરીતિના બનાવો અટકાવવા માટે દરેક કેન્દ્ર પર ઓબ્ઝર્વરોની નિમણૂક સાથે કડક પ્રબંધો ગોઠવવામાં આવ્યા છે.

પરીક્ષાનો સમય બપોરના 12:00 થી 2:15 વાગ્યા સુધીનો રહેશે, જેમાં ઉમેદવારોને કુલ 135 મિનિટનો સમય મળશે. કસોટી સંપૂર્ણપણે ગુજરાતી માધ્યમમાં અને OMR પદ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રાખવામાં આવી નથી, જેથી ઉમેદવારો મુક્તપણે જવાબો આપી શકશે. ગુણભારની દ્રષ્ટિએ કુલ 150 ગુણના 150 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં વિભાગ-1 ના 50 પ્રશ્નો અને વિભાગ-2 ના 100 પ્રશ્નોનો સમાવેશ થાય છે.

પેપરમાં ઉમેદવારોના સર્વાંગી જ્ઞાનની ચકાસણી માટે 24 જેટલા વિવિધ વિષયો આવરી લેવાયા છે. જેમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ભારતીય બંધારણની જોગવાઈઓ, સામાન્ય જ્ઞાન, અધ્યાપન પદ્ધતિ તેમજ પેન્શન અને રજાના નિયમો જેવા વહીવટી અને શૈક્ષણિક પાસાઓ પર પ્રશ્નો પૂછવામાં આવશે. તમામ કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande