
પોરબંદર , 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક કારીગરો, નાના ઉત્પાદકો અને સ્વસહાય જૂથોને
પ્રોત્સાહન આપવા ચોપાટી ખાતે આયોજિત સ્વદેશી મેળો-2026 સ્થાનિક મહિલાઓ માટે સ્વરોજગાર અને
આર્થિક આત્મનિર્ભરતાની નવી તક બની રહ્યો છે. મેળામાં સ્થાનિક મહિલાઓને વિનામૂલ્યે
સ્ટોલની સુવિધા આપવામાં આવતાં તેઓ પોતાની બનાવટની વસ્તુઓનું વેચાણ કરીને આવક મેળવી
શકે છે અને પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં યોગદાન આપી શકે છે.
પોરબંદરના
જી.ઈ.બી. કોલોની વિસ્તારમાં રહેતાં પ્રિયંકાબેન વિરેન્દ્રભાઈ સોલંકીએ પોતાના
પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, પોરબંદર મહાનગરપાલિકા
દ્વારા ચોપાટી ખાતે આયોજિત સ્વદેશી મેળા-2026માં તેમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં
આવ્યો છે. આ સ્ટોલના માધ્યમથી તેઓ ઘર સજાવટમાં ઉપયોગી કેક્ટસ, ઇન્ડોર પ્લાન્ટ્સ, ખાતર સહિતની વિવિધ વસ્તુઓનું વેચાણ કરી
રહ્યાં છે. મેળામાં તેમની વસ્તુઓનું સરળતાથી વેચાણ થઈ રહ્યું હોવાથી તેમને સારી
આવક મેળવવાની તક મળી રહી છે.
પ્રિયંકાબેને વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે સ્ટોલની
સુવિધા મળવાથી તેમને પોતાની વસ્તુઓના વેચાણ માટે યોગ્ય મંચ મળ્યો છે. ખાસ કરીને
દિવાળીના તહેવારો દરમિયાન આ સ્ટોલના માધ્યમથી આવક મેળવીને તેઓ પોતાનાં બાળકોના
અભ્યાસમાં સહાયરૂપ બની શકશે તેમજ પરિવારને આર્થિક રીતે મદદ કરી શકશે. સ્થાનિક
મહિલાઓને પોતાની આવડત અને મહેનતના આધારે કમાણી કરવાની તક પૂરી પાડવા બદલ તેમણે
ગુજરાત સરકાર અને પોરબંદર મહાનગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વદેશી મેળા જેવા આયોજનથી સ્થાનિક ઉત્પાદકોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે બજાર
અને નાગરિકોને સ્થાનિક વસ્તુઓની ખરીદી માટે સુવિધા મળી રહી છે. સાથે જ મહિલાઓના
સ્વરોજગારને પ્રોત્સાહન, સ્થાનિક રોજગારીનું
સર્જન અને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પણ આ મેળો મહત્વપૂર્ણ બની
રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોરબંદર મહાનગરપાલિકા
દ્વારા તા. 26 ઓક્ટોબરથી આયોજિત
સ્વદેશી મેળો 6 નવેમ્બર, 2026
સુધી બપોરે ૩થી રાત્રે 11
વાગ્યા દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. નગરજનોને મેળાની મુલાકાત લઈને
સ્થાનિક કારીગરો, ઉત્પાદકો અને
સ્વરોજગાર કરતી મહિલાઓને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya