

- પ્રોજેક્ટમાં ખાસ આકર્ષણ રૂપે બનેલા 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈને વનમાં ઉછેરેલા રોપા.-વૃક્ષો વિશે ઝીણવટભરી માહિતી મેળવી.
- ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબારની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સદાબહાર વનસ્પતિઓ એક જ સ્થળે નિહાળવાની તક મળશે.- એકતા નગર ખાતે ઇકો-ટુરિઝમ અને પ્રકૃતિના અભ્યાસ માટેનું વિશિષ્ટ સ્થળ બનશે રેઇન ફોરેસ્ટ,પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ પ્રવાસનને મળશે પ્રોત્સાહન.
રાજપીપળા, 31 ઓકટોબર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણને ખુલ્લું મૂકાયું છે.
વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂપિયા 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઇન ફોરેસ્ટ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ સમગ્ર પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય આકર્ષણ એવા 220 મીટર લાંબા ગ્લાસ ડેક ધરાવતા સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈને સમગ્ર પ્રોજેક્ટને નજીકથી નિહાળ્યો હતો. આ પ્રોજેક્ટમાં ઉગાડેલા વિવિધ છોડ-વૃક્ષો વિશેની ઝીણવટભરી વિગતો નર્મદા નિગમના ચેરમેનશ્રી મુકેશ પુરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા પાસેથી મેળવી હતી. પ્રધાનમંત્રી સાથે આ વેળાંએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
એકતા નગર ખાતે વિકસિત રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય, જૈવવિવિધતા અને ટકાઉ
પ્રવાસનનો અનોખો સમન્વય રજૂ કરે છે. આ સ્થળે ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન- નિકોબાર ટાપુઓ જેવા પ્રદેશોની રેઇન ફોરેસ્ટની વિવિધ સદાબહાર વનસ્પતિની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના માધ્યમથી પ્રવાસીઓને ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા, વન સંરક્ષણ તથા સ્થાનિક વનસ્પતિના મહત્ત્વ વિશે જાણવાની અને સમજવાની તક મળી રહેશે.
રેઇન ફોરેસ્ટમાં પ્રકૃતિની સમીપ રહેવાની સાથે પ્રવાસીઓના મનોરંજન માટે અનેક આકર્ષણો
વિકસાવવામાં આવ્યાં છે. આમાં આશરે 220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ મુખ્ય આકર્ષણ બનશે. ગ્લાસ વૉક-વે પર ચાલતાં પ્રવાસીઓને રેઇન ફોરેસ્ટના પ્રાકૃતિક સૌંદર્યને એક અનોખા દૃષ્ટિકોણથી નિહાળવાનો અનુભવ મળશે. આ ઉપરાંત, 5થી 8 મીટરની ઊંચાઈ ધરાવતો ધોધ તથા
સર્ક્યુલર તળાવ અને તેને જોડતા પુલો સ્થળની સુંદરતામાં વધારો કરશે. પ્રાકૃતિક પથ્થરોથી બનાવવામાં આવેલું 20 ફૂટ ઊંચું અને 40 ફૂટ પહોળું પ્રવેશદ્વાર પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે. નર્મદા પથ્થર અને ઈંટ-ચૂનાના વૉકિંગ ટ્રેલ્સ, વૃક્ષોની હારમાળા અને રેઇન ફોરેસ્ટના વિવિધ સ્તરોને દર્શાવતું થીમેટિક લેન્ડસ્કેપિંગ પ્રવાસીઓને એક અનોખો અનુભવ કરાવશે.
ઇન ફોરેસ્ટનું ઇન્ફોર્મેશન સેન્ટર નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડના માધ્યમથી
પ્રવાસીઓને વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા અને વન સંરક્ષણ વિશે માહિતી પૂરી પાડશે. તો બાળકો માટેના પ્લે એરિયામાં રોક ક્લાઇમ્બિંગ વૉલ, વિવિધ ઊંચાઈની સ્લાઇડ્સ, સીડીથી જોડાયેલી ટ્રી બાલ્કનીઝ અને હીંચકાઓ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ