
નવી દિલ્હી, 31 ઓક્ટોબર (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે, માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દીના અવસરે તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટનું વિમોચન કર્યું. હરિદ્વારના ગાયત્રી પરિવાર દ્વારા, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
ટપાલ વિભાગ અનુસાર, આ અવસરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ માતા ભગવતી દેવી શર્માને નમન કરતા કહ્યું કે, તેમનું જીવન પ્રેમ, સ્નેહ, સેવા અને માતૃત્વનું અનુપમ ઉદાહરણ છે. તેમણે ગુરુદેવની સાધના અને વિચારોને જન-જન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સિંધિયાએ કહ્યું કે ગાયત્રી પરિવાર ફક્ત આધ્યાત્મિક સંગઠન નથી, પરંતુ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની સતત યાત્રા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્ષ 2026 ગાયત્રી પરિવાર માટે ત્રણ ઐતિહાસિક શતાબ્દીઓનો ત્રિવેણી સંગમ છે. આમાં અખંડ દીપકના પ્રજ્વલનના 100 વર્ષ, માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દી અને ગુરુદેવની સાધનાના આરંભના 100 વર્ષનો સમાવેશ થાય છે.
તેમણે મહિલા સશક્તિકરણ, સામાજિક સમરસતા અને ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણને વિકસિત ભારતના નિર્માણના મહત્વપૂર્ણ આધાર ગણાવ્યા. સિંધિયાએ કહ્યું કે, માતાજીના આદર્શો આજે પણ કરોડો લોકોને સેવા, સંવેદના અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરી રહ્યા છે. કાર્યક્રમમાં ડો. ચિન્મય પંડ્યા સહિત દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ