
અમરેલી/અમદાવાદ,31 ઓકટોબર (હિ.સ.) અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. વડીયા, બગસરા અને ખાંભા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાથરીને રાખેલી મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ચાર મહિના સુધી પાણી પાઈને માંડ પાક તૈયાર કરનાર ખેડૂતોની દિવાળી બગડી છે, ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી રાહત સહાય જાહેર કરવામાં આવે તેવી
અમરેલી જિલ્લામાં અણધાર્યા કમોસમી વરસાદે અન્નદાતાઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે. વડીયા વિસ્તારમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાની માહિતી સામે આવી છે, જ્યારે બગસરા, ખાંભા અને અમરેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતાં ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
ખાસ કરીને ખેતરમાં કાપણી કરીને પાથરા સ્વરૂપે રાખેલી મગફળીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત, કપાસના પાકને પણ ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કુદરતી આફતના કારણે ખેડૂતોની દિવાળીની ખુશીઓ ફિક્કી પડી ગઈ છે અને હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનનો સર્વે કરીને રાહત સહાય જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
અમરેલી જિલ્લાના ભડિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદની ભારે અછતને કારણે ખેતી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી. ખેતરમાં પૂરતો વરસાદ ન થતાં તેમણે બોર અને કૂવામાંથી મોંઘા ભાવની વીજળી અને ડીઝલનો ખર્ચ કરીને પાણી મેળવીને માંડ-માંડ મગફળીનો પાક તૈયાર કર્યો હતો. ચાર મહિના સુધી સતત સખત મહેનત કરીને પાકને જીવિત રાખ્યો હતો, પરંતુ અચાનક ત્રાટકેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે તેમની આખી વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
ખેડૂતના જણાવ્યા પ્રમાણે, તેમના વિસ્તારમાં આશરે પોણા બે ઇંચ જેટલો વરસાદ પડતાં ખેતરમાં પાથરા કરીને સૂકવવા માટે રાખેલી મગફળી સંપૂર્ણપણે પલળી ગઈ છે. જેના કારણે પાકની ગુણવત્તા કથળવાની અને બજારમાં વેચાણ સમયે પૂરતો ભાવ ન મળવાની ઘેરી ચિંતા ઊભી થઈ છે.
ખેતરમાં પાથરા કરીને રાખેલી મગફળી વરસાદમાં પલળવાથી તેના દાણા કાળા પડી શકે છે અને તેની એકંદરે ગુણવત્તા પર માઠી અસર થઈ શકે છે. પરિણામે બજારમાં મગફળીના ભાવમાં મોટો ઘટાડો થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. લાલજીભાઈ નાગાણીના જણાવ્યા મુજબ, મગફળીના બજારભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો થાય તેવી પૂરી આશંકા છે.
જોકે, વાસ્તવિક નુકસાન અને તેના ભાવ પર થતી અસર પાકની અંતિમ સ્થિતિ તથા બજારના મૂલ્યાંકન બાદ જ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. બીજી તરફ, કપાસના ઊભા અને વીણેલા પાકમાં પણ નુકસાન થયું હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે. અણધાર્યા વરસાદને કારણે ખેતીની આવક ખોરવાઈ જવાની શક્યતાએ ખેડૂતોની રાત્રેની ઊંઘ હરામ કરી દીધી છે.
ખેડૂતોએ માત્ર મગફળી અને કપાસ જ નહીં, પરંતુ પશુઓના નિભાવ માટેના ઘાસચારાને લઈને પણ મોટી ચિંતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદમાં પલળેલા ઘાસચારામાં સડો (ફૂગ) થવાની પૂરી શક્યતા રહેતી હોવાથી આગામી દિવસોમાં પશુપાલકોની મુશ્કેલીઓ અનેકગણી વધી શકે છે. અગાઉથી જ ઘાસચારાની અછતનો સામનો કરી રહેલા ખેડૂતો માટે આ પરિસ્થિતિ અત્યંત કપરી સાબિત થઈ રહી છે.
ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં ભરવામાં આવે. એક તરફ વરસાદની અછતને કારણે ખેડૂતોએ સિંચાઈ પાછળ ભારે આર્થિક ખર્ચ કરવો પડ્યો અને બીજી તરફ માંડ તૈયાર થયેલો પાક કમોસમી વરસાદમાં બરબાદ થયો છે. આવી વિકટ પરિસ્થિતિમાં સરકાર દ્વારા પાક નુકસાનનો વત્વરિત સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર અને વિશેષ રાહત સહાય ચૂકવવામાં આવે તો જ તેમને આ આર્થિક સંકટમાંથી બહાર લાવી શકાશે.
હાલ સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂતોની નજર સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા નુકસાનના સર્વે અને સંભવિત આર્થિક સહાયની જાહેરાત પર કેન્દ્રિત છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું સચોટ ચિત્ર સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ તો અન્નદાતાઓ માટે પાક બચાવવો અને પોતાની મહેનતના યોગ્ય ભાવ મેળવવા એ સૌથી મોટો પડકાર બની ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ