જામનગરમાં, જર્જરીત મકાનની દિવાલ ધસી પડતા શ્રમિકનું મોત: બે ઘાયલ
જામનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના ગીતા મંદિર પાસે મહાવીર સોસાયટીમાં આવેલ એક મકાનની જર્જરીત દિવાલ પાડતોડ વખતે, અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાવાથી એક પરપ્રાંતિય શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે,
જર્જરિત દીવાલ ધરાશાયી


જામનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના ગીતા મંદિર પાસે મહાવીર સોસાયટીમાં આવેલ એક મકાનની જર્જરીત દિવાલ પાડતોડ વખતે, અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાવાથી એક પરપ્રાંતિય શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

શહેરના મહાવીર સોસાયટી વિસ્તારમાં જયુ દાસાણીના મકાનમાં, છેલ્લા બે દિવસથી જૂની દિવાલનું પ્લાસ્ટર તોડી નવું પ્લાસ્ટર કરવાનું કડીયાકામ ચાલી રહ્યું હતું. આ કામગીરી માટે ગુલાબનગર ત્રિમંદિર પાસે રહેતા મૂળ મધ્યપ્રદેશના રાણપુર જાંબુવાના સુનિલ કલેશિંગ પસાયા, જતીન ચૌહાણ અને કાળુ અમરસિંહ ભાભોર નામના શ્રમિકોને, રોકવામાં આવ્યા હતા. શુક્રવારે બપોરના સમયે કામગીરી દરમિયાન અચાનક જર્જરીત દિવાલનો અડધાથી વધુ ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો.

દિવાલ ધરાશાયી થતાં જ ત્રણેય શ્રમિકો કાટમાળ નીચે દબાઈ જવાથી, સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિકો અને રેસ્ક્યૂ ટીમે ત્રણેય શ્રમિકોને બહાર કાઢી ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

તબીબી સારવાર મળે તે પહેલાં જ ગંભીર ઇજાઓના કારણે, સુનિલ પસાયાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ઘવાયેલા કાળુ ભાભોર અને જતીન ચૌહાણને વધુ સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક તંત્રે આ બનાવ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande