
જુનાગઢ 31 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ GMERS હોસ્પિટલમાં ઐતિહાસિક યોગ સંવાદ યોજાયો હતો.જૂનાગઢના મજેવડી દરવાજા સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલની ઉપસ્થિતિમાં ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને મેડિકલ ઇન્ટર્ન ૧૫૦ ની બહોળી સંખ્યામાં યોગ સંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે શિશપાલએ યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, નર્સિંગ સ્ટાફને યોગ ટ્રેનિંગ મેળવી પોતાના વિસ્તારમાં યોગ ક્લાસ શરૂ કરવા તેમજ યોગ્ય આહારશૈલી અપનાવવા ભાવભર્યું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ઈશ્વરે આપણને માનવસેવાની જે તક આપી છે, તેમાં યોગસેવા જોડાય તો અનેક લોકોના જીવનમાં સ્વાસ્થ્ય અને સુખનો પ્રકાશ પથરાઈ શકે છે.
ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ , સુપ્રિટેન્ડેન્ટ ભગવદ્ ગીતાના શ્લોકોના પઠન સાથે યોગની આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પરિભાષા સમજાવી હતી.
કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડૉ. પંડ્યા, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ હેમલતાબેન, સ્ટેટ કો-ઓર્ડીનેટર અનિલ ત્રિવેદી, મનપા કો-ઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા, જિલ્લા કો-ઓર્ડિનેટર જયંતી કાછડીયા, સોનલબેન બગડા તથા જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના યોગ ઇતિહાસમાં હોસ્પિટલ કક્ષાએ યોજાયેલો આ વિશિષ્ટ યોગ સંવાદ આરોગ્યસેવા સાથે યોગસેવાને જોડવાનો પ્રેરણાદાયી પ્રયાસ બન્યો હતો.
જ્યાં દર્દીની સેવા થાય છે, ત્યાં યોગની સાધના જોડાય તો સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે આ ભાવના સાથે ગુજરાતના યોગ ઇતિહાસમાં હોસ્પિટલ કક્ષાએ યોજાયેલો આ વિશિષ્ટ યોગ સંવાદ આરોગ્યસેવા અને યોગસેવાને એકસાથે જોડવાનો પ્રેરણાદાયી પ્રયાસ બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ