
દ્વારકા/અમદાવાદ,31 ઓકટોબર (હિ.સ.) દ્વારકા જિલ્લાના દુષ્કાળગ્રસ્ત કલ્યાણપુર-તાલાલામાં ભારે પવન સાથે વરસાદએ ખેડૂતોને ચિંતામાં મૂકયા,હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગાહી કરી છે.
આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. એક તરફ જિલ્લામાં પહેલેથી જ દુષ્કાળની પરિસ્થિતિ છે, ત્યારે અચાનક આવેલા આ માવઠાએ ખેડૂતોની રહીસહી આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
ખેતરોમાં તૈયાર થયેલા મગફળીના પાક અને ખુલ્લામાં પડેલા પશુચારાના જથ્થાને પલળી જવાથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂત આલમ ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને તેમની ચિંતામાં વધારો થયો છે.
તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
માધુપુર, જાંબુર, જસાધાર સહિતના ગામોમાં મિનિ વાવાઝોડા જેમ ભારે પવન સાથે અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકી ગયો છે.
આગામી 24 કલાક રાજ્યના 21 તાલુકામાં 1 મિમીથી લઈને સવા બે ઈંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો છે. વાદળછાયા વાતાવારણથી રાજ્યમાં તાપમાનનો પારો પણ ગગડ્યો છે અને અમદાવાદ સહિતના શહેરોમાં સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
વેસ્ટર્નડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં, રાજ્યમાં આજેપણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આગામી 7 દિવસ સુધી વાતાવરણ સુકું રહેવાનું છે. આજે મહત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો બદલાવ જોવા મળી રહ્યો નથી.
જો કે, પછી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું છે. આજે 34 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું પૂર્વ અનુમાન છે. હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ